લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના નેતૃત્વ હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટીએ ઈંગ્લેન્ડની કાઉન્સિલ ચૂંટણીઓમાં નોંધપાત્ર વિજય હાંસલ કર્યો હતો અને મુખ્ય વિપક્ષ લેબર પાર્ટીનો રકાસ થયો છે. સફળ વેક્સિનેશન અભિયાન અને તબક્કાવાર લોકડાઉનમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા કન્ઝર્વેટિવ પાર્ટીની તરફેણમાં રહી છે. ટોરી પાર્ટીએ લેબરની રેડ વોલમાં આવતી હર્ટલપૂલ સંસદીય પેટાચૂંટણીમાં વિજય હાંસલ કરી ભારે આંચકો આપ્યો છે. આ સાથે સ્કોટિશ અને વેલ્સ પાર્લામેન્ટ તેમજ મુખ્ય શહેરોના મેયરપદ માટેની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. સ્કોટિશ પાર્લામેન્ટમાં ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનની આગેવાનીમાં સ્કોટિશ નેશનલ પાર્ટીએ બહુમતી મેળવી છે. ઈંગ્લેન્ડની ૧૪૩ કાઉન્સિલની ૫,૦૦૦થી વધુ બેઠક માટે થયેલી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ ૧૩ના ઉમેરા સાથે ૬૩ કાઉન્સિલ જ્યારે લેબર પાર્ટીએ ૦૮ કાઉન્સિલમાં સત્તા ગુમાવી ૪૪ કાઉન્સિલમાં વિજય મેળવ્યો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીના ૨૩૪૫ કાઉન્સિલર્સ અને લેબર પાર્ટીના ૧૩૪૫ કાઉન્સિલર્સ વિજેતા બન્યા છે. સ્કોટલેન્ડમાં નિકોલા સ્ટર્જનની આગેવાની હેઠળની સ્કોટિશ નેશનલ પાર્ટીએ ૧૨૯માંથી ૬૪ બેઠક હાંસલ કરી છે.
લેબર પાર્ટીનો આ બીજો મોટો પરાજય થવા સાથે સર કેર સ્ટાર્મરની નેતાગીરીની ભારે ટીકા થઈ છે. રકાસ છતાં શહેરોના મેયરપદની ચૂંટણીઓમાં લેબર પાર્ટીએ મેદાન માર્યું છે. સાદિક ખાન (લંડન) અને એન્ડી બર્નહામ (ગ્રેટર માન્ચેસ્ટર) ફરી ચૂંટાયા છે. ઉપરાંત, વેસ્ટ યોર્કશાયર રીજિયન, કેમ્બ્રિજશાયર એન્ડ પીટરબરા, લિવરપૂલ સિટી રીજિયન અને વેસ્ટ ઈંગ્લેન્ડમાં મેયરપદ લેબર પાર્ટીની ઝોળીમાં ગયું હતું.