લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન લોકપ્રિય છે તે સાચું છે પરંતુ, ઊંચી આવક મેળવનારા લોકોની સરખામણીએ ઓછી આવક ધરાવતા મતદારોમાં તેમની લોકપ્રિયતા વધુ છે. બીજી તરફ, લેબર પાર્ટી હવે ગરીબોની પાર્ટી રહી નથી તેમ જોસેફ રોનટ્રી ફાઉન્ડેશનના નવા અભ્યાસના તારણો જણાવે છે. કન્ઝર્વેટીવ્ઝે ૨૦૧૯માં ઓછી આવક ધરાવતા મતદારોમાં ૧૫ પોઈન્ટની સરસી હાંસલ કરી હતી અને સામાન્ય ચૂંટણીમાં ઓછી આવક ધરાવતા ૪૫ ટકા જેટલા મતદારોએ બોરિસ જ્હોન્સનને સમર્થન આપ્યું હતું જ્યારે તત્કાલીન લેબર નેતા જેરેમી કોર્બીનને ૩૧ ટકાએ ટેકો આપ્યો હતો.
થિન્ક ટેન્ક જોસેફ રોનટ્રી ફાઉન્ડેશનના રિપોર્ટમાં મતદાન વર્તણૂક તપાસવા બ્રિટિશ ઈલેક્શન સ્ટડીના પુરાવા તપાસ્યા હતા જે મુજબ ૨૦૧૯માં, ઓછી આવક સાથેના ૪૫.૪ ટકા મતદારોએ કન્ઝર્વેટિવ્ઝ અને ૩૦.૬ ટકા મતદારે તત્કાલીન લેબરનેતા કોર્બીનને ટેકો આપ્યો હતો. ઊંચી આવક મેળવનારા મતદારોએ ટોરીઝને ૪૦ ટકા અને લેબરને ૩૦.૮ ટકા સમર્થન આપ્યું હતું. રિપોર્ટ કહે છે કે દેખીતી રીતે જ કન્ઝર્વેટિવ્ઝ હવે ઊંચી આવક સાથેના લોકોની સરખામણીએ ઓછી આવક ધરાવતા લોકોમાં વધુ લોકપ્રિય છે. ‘કન્ઝર્વેટિવ્ઝ હવે ધનવાનોની પાર્ટી કે લેબર હવે ગરીબોની પાર્ટી રહી નથી. બંને પાર્ટીનો પરંપરાગત આધાર બદલાઈ ગયો છે. લેબર પાર્ટીના વર્તમાન નેતા સર કેર સ્ટાર્મર ધનવાન કે ગરીબ, બંનેમાં સરખા લોકપ્રિય છે.
યુનિવર્સિટી ઓફ કેન્ટના પ્રોફેસર મેથ્યુ ગૂડવિન અને રોયલ હોલોવે યુનિવર્સિટી ઓફ લંડનના ઓલિવર હીથ કહે છે કે, દેશને ‘લેવલ અપ’ કરવાનું જ્હોન્સનનું વચન તેમજ બ્રેક્ઝિટની તરફેણથી લેબર મતદારોને જીતવામાં મદદ મળી હતી. જોકે, આ સપોર્ટ જાળવી રાખવા કન્ઝર્વેટિવ્ઝે મહેનત કરવી પડશે. લેબર પાર્ટી ધનવાનોને આકર્ષી શકી છે અને નેતાગીરી બદલાઈ હોવાં છતાં, ભવિષ્યમાં ચૂંટણીમાં બહુમતી મેળવવા તેણે પરંપરાગત મત આધાર સાથે ફરી જોડાવા મહેનત કરવી પડશે.