લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સમારોહનું આયોજન કરાયું હતું જેમાં 300 કરતાં વધુ અગ્રણી હાજર રહ્યાં હતાં. ભારત અને યુકે વચ્ચેના મજબૂત બની રહેલા સંબંધોને સીનિયર મિનિસ્ટરો, પાર્ટીના નેતાઓ, બિઝનેસ લીડર્સ અને સમાજના આગેવાનોએ વધાવી લીધા હતા. આ સમારોહનું આયોજન સખાવતી ઉદ્યોગ સાહસિક ડો. કુલેશ શાહ અને પૂર્વ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને સાંસદ સર ઓલિવર ડાઉડેન દ્વારા કરાયું હતું. સમારોહમાં સાંસદો સર જેમ્સ ક્લેવરલી અને કેવિન હોલિનરેક પણ હાજર રહ્યાં હતાં.
સીએફ ઇન્ડિયાના સહાધ્યક્ષ ડો. કુલેશ શાહે જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેની ભાગીદારી સમર્થક સહયોગીઓ અને મિત્રોનો આવકાર કરતાં આનંદ અનુભવું છું. પાર્ટી અધ્યક્ષ કેવિન હોલિનરેક અને સર જેમ્સ ક્લેવરલીની હાજરી કન્ઝર્વેટિવ પાર્ટીની પ્રતિબદ્ધતા અને સીએફ ઇન્ડિયાના વિઝનને પ્રદર્શિત કરે છે.
સર ઓલિવરે ફોરેન સેક્રેટરી તરીકેના કાર્યકાળમાં સર જેમ્સ ક્લેવરલી અને હોમ સેક્રેટરી તરીકેના કાર્યકાળમાં ડેમ પ્રીતિ પટેલે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે ભારતની લીધેલી મુલાકાતોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બ્રિટિશ ભારતીય સમુદાય સાથેના પાર્ટીના મજબૂત સંબંધો માટેના કેવિન હોલિનરેક અને સાંસદ બોબ બ્લેકમેનના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. તેમણે ડો. કુલેશ શાહ અને સીએફ ઇન્ડિયાના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી.
સર જેમ્સ ક્લેવરલીએ ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરારના ઐતિહાસિક મહત્વની સમજાવ્યું હતું. કેવિન હોલિનરેકે સીએફ ઇન્ડિયાને પાર્ટીનું ગૌરવ ગણાવ્યું હતું.


