વડા પ્રધાન પદની રેસમાં થેરેસા મે મોખરેઃ પ્રથમ રાઉન્ડમાં ૧૬૫ મત

Wednesday 06th July 2016 08:12 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન પદેથી ડેવિડ કેમરનની વિદાય નિશ્ચિત થઇ ગઇ છે ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદ અને તેના પગલે દેશના વડા પ્રધાન બનવા માટે શરૂ થયેલી સ્પર્ધામાં હોમ સેક્રેટરી થેરેસા મે સૌથી આગળ છે. ટોરી પાર્ટીના વરિષ્ઠ સાંસદો અને મિનિસ્ટર્સ જે પ્રકારે થેરેસા મેના સમર્થનમાં આગળ આવ્યાં છે તે જોતાં તેમને મતદાન કે સ્પર્ધા વિના જ ટોરી નેતાપદે સ્થાપિત કરી દેવા જોઇએ તેવો સૂર પક્ષમાં વ્યક્ત થઇ રહ્યો છે. જો આ શક્ય નહીં બને તો થેરેસા અને મેદાનમાં ઝૂકાવનારા નવા ઉમેદવાર એન્દ્રેઆ લીડસોમ વચ્ચે મુખ્ય સ્પર્ધા થવાની શક્યતા છે. બ્રેક્ઝિટ અભિયાનમાં જુનિયર મિનિસ્ટર લીડસોમે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. ટોરી સાંસદો દ્વારા કેમરનના અનુગામી શોધવા માટે મતદાનના પ્રથમ રાઉન્ડમાં થેરેસા મેને ૧૬૫ મત મળ્યા હતા. જ્યારે એન્દ્રેઆ લીડસોમને ૬૬, માઈકલ ગોવને ૪૮, સ્ટીફન ક્રેબને ૩૪ અને ડો. લીઆમ ફોક્સને ૧૬ મત મળ્યા હતા. બીજી તરફ, થેરેસા મે, માઈકલ ગોવ, સ્ટીફન ક્રેબ અને એન્દ્રેઆ લીડસોમે પોતાના પ્રચાર અભિયાનો આરંભી દીધાં છે.

પક્ષના નેતાપદ અને વડા પ્રધાન પદના પ્રબળ દાવેદાર ગણાતા બોરિસ જ્હોન્સનની વિરુદ્ધ મેદાનમાં આવેલા માઈકલ ગોવની પ્રતિષ્ઠા ખરડાઈ છે. માઈકલ ગોવ અને એન્દ્રેઆ લીડસોમને સ્પર્ધામાંથી ખસી જવાનું દબાણ કરાય તો માત્ર બે ઉમેદવાર વચ્ચે સ્પર્ધા થાય તેમ વિચારાય છે. જોકે, બોરિસ જ્હોન્સનના ૩૦ જેટલા સમર્થક સાંસદો એન્દ્રેઆની તરફેણમાં આવે તો ચિત્ર બદલાઈ શકે છે. જોકે, ચૂંટણી ન થવાથી પક્ષાદેશ વિનાના પ્રાઈમ મિનિસ્ટર હોવાનું પણ જોખમ છે. ગોર્ડન બ્રાઉને ૨૦૦૭માં ટોની બ્લેર પાસેથી વડા પ્રધાનપદ સંભાળ્યું ત્યારે તેમના માટે મુશ્કેલી સર્જાઈ હતી.

થેરેસા મેની મજબૂત ઉમેદવારી

હોમ સેક્રેટરી થેરેસા મેએ ટોરી પાર્ટીના નેતાપદ માટે પ્રચાર અભિયાનનો આરંભ કરી દીધો છે. કેમરન કેબિનેટના સાથીઓનું ભારે સમર્થન મળ્યા પછી બ્રેક્ઝિટ-હરીફ માઈકલ ગોવ તેમની સામે વામણા સાબિત થઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી પેટ્રિક મેકલોઘલિન અને ડિફેન્સ સેક્રેટરી માઈકલ ફેલોને તેમને ટેકો જાહેર કર્યો હતો. ગોવની ઉમેદવારી અંગે તેમણે જણાવ્યું હતું કે, મારા મતે ખુલ્લી સ્પર્ધા મહત્ત્વની છે.

હોમ સેક્રેટરીએ ઈરાદાપૂર્વક રેફરન્ડમ પ્રચાર અભિયાનમાં મૌન સેવ્યું હતું, જેથી પાછળથી પક્ષને એકસંપ રાખવા માટેના સર્વસંમત ઉમેદવાર તરીકે તેઓ ઉભરી શકે. જોકે, નેટ માઈગ્રેશન ૧૦૦,૦૦૦થી નીચે લાવવામાં સરકારની નિષ્ફળતા માટે તેઓ પણ જવાબદાર ગણાયાં છે.

ડાર્ક હોર્સ લીડસોમ પણ સ્પર્ધામાં

ટોરી પાર્ટીના નેતૃત્વની સ્પર્ધામાં જસ્ટિસ મિનિસ્ટર માઈકલ ગોવના વિકલ્પ તરીકે બ્રેક્ઝિટ કેમ્પના સ્ટાર કેમ્પેઈનર એન્દ્રેઆ લીડસોમે ઝૂકાવ્યું છે. બ્રેક્ઝિટ-તરફી ઈયાન ડંકન સ્મિથ જુનિયર એનર્જી મિનિસ્ટર લીડસોમના ટેકામાં છે. બૂકમેકર્સના મતે થેરેસા મે પછી બીજા લોકપ્રિય વિકલ્પ તરીકે લીડસોમ છે. ગોવે છેલ્લી ઘડીએ ટેકો પાછો ખેંચતા સ્પર્ધામાંથી બહાર ગયેલા બોરિસ જ્હોન્સનના સમર્થનમાં રહેલા આશરે ૩૦ સમર્થકો લીડસોમના ટેકામાં આગળ આવે તેવી શક્યતા છે.

એલીસબરીમાં જન્મેલા અને બર્કશાયરના નિવાસી ત્રણ સંતાનોનાં ૫૩ વર્ષીય માતા એન્દ્રેઆએ સ્પર્ધામાં ઝૂકાવ્યાં પછી નેતાગીરીની સ્પર્ધા બે સ્ત્રીઓ વચ્ચે બની રહે તેમ જણાય છે. મિસિસ લીડસોમે જાહેર કર્યું હતું કે આગામી વડા પ્રધાન ઈયુ છોડવાના અભિયાનમાં સામેલ જૂથમાંથી જ બનવા જોઈએ. રિમેઈન માટે લડનારા કોઈ નેતા દ્વારા દેશનો વહીવટ થવો ન જોઈએ. ‘લીવ.ઈયુ’ કેમ્પેઈન જૂથના નેતા અને પૂર્વ પર્યાવરણ મિનિસ્ટર ઓવેન પેટરસને પણ લીડસોમને ટેકો જાહેર કર્યો હતો.

એવી પણ ચર્ચા થઈ રહી છે કે સંભવિત બોરિસ કેબિનેટમાં લીડસોમે ચાન્સેલર અથવા ઈયુ છોડવાની વાટાઘાટોનો હવાલો સંભાળતા ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરના હોદ્દાની માગણી કરી હતી. બોરિસ જ્હોન્સનને સમર્થન આપવાની આ કિંમત હોવાનું કહેવાય છે. જોકે, બોરિસ દ્વારા બેમાંથી એક હોદ્દો આપવાની લેખિત ખાતરી ન અપાતા લીડસોમે જાતે જ નેતાગીરીની સ્પર્ધામાં ઝૂકાવવાનું નક્કી કર્યું હતું. જોકે, તેમણે ગોવ અથવા જ્હોન્સન વિશે કોઈ ટીપ્પણીનો ઈનકાર કર્યો હતો.

બુકીઓના મતે સ્પર્ધામાં કોણ આગળ?

ટોરી પાર્ટીના નેતાપદની ચૂંટણીમાં જે સ્પર્ધકનો વિજય થશે તે દેશના વડા પ્રધાન બની જશે. પાંચ સ્પર્ધકો નેતાપદની હોડમાં રહ્યા છે ત્યારે મુખ્ય બે સ્પર્ધક વચ્ચે હરીફાઈ કરાવાશે. આ બે સ્પર્ધકોમાંથી એકને વિજયી બનાવવા ટોરી પાર્ટીના તમામ સભ્યો મતદાન કરશે અને બીજી સપ્ટેમ્બર સુધીમાં તેનું પરિણામ આવી જશે. બુકીઓના મતે ૫૯ વર્ષીય હોમ સેક્રેટરી અને રિમેઈન કેમ્પના અગ્રણી થેરેસા મે સૌથી આગળ (3/10 William Hill, 4/11 Ladbrokes) છે. આ પછી, એન્દ્રેઆ લીડસોમ (4/1 William Hill, 4/1 Ladbrokes), માઈકલ ગોવ (9/1 William Hill, 8/1 Ladbrokes), સ્ટીફન ક્રેબ (33/1 William Hill, 25/1 Ladbrokes) અને સૌથી છેલ્લો ડો. લીઆમ ફોક્સ (50/1 William Hill, 40/1 Ladbrokes) આવે છે.

ગોવ પર વિશ્વાસ મૂક્યો તે મારી મૂર્ખામીઃ બોરિસ

ટોરી પાર્ટીના નેતાપદ અને વડા પ્રધાન પદની સ્પર્ધામાંથી બહાર નીકળી જનારા લંડનના પૂર્વ મેયર બોરિસ જ્હોન્સને તેમના સહાયકો સમક્ષ હૈયાવરાળ ઠાલવતા કહ્યું હતું કે ‘રાજકીય હત્યારા’ માઈકલ ગોવ પર વિશ્વાસ મૂકીને મેં મૂર્ખામી આચરી હતી. બોરિસ માટે ટેકો જાહેર કર્યા પછી અચાનક ગોવે સ્પર્ધામાં ઝૂકાવતા બોરિસ ટીમને એવો ડર લાગ્યો હતો કે ગોવની ટીમ ખંડનાત્મક પ્રચારમાં ઉતરી પડશે. નેતાગીરીની સ્પર્ધામાં આગળ વધવાના સાથીઓના આગ્રહ છતાં બોરિસે ગોવ કેમ્પ સાથે ડર્ટી વોરનો માર્ગ પસંદ કરવા ઈનકાર કર્યો હતો.

આંતરિક વર્તુળોના જણાવ્યા અનુસાર, ગોવે બોરિસની સંભવિત કેબિનેટમાં ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર, ચાન્સેલર અને ચીફ બ્રેક્ઝિટ નેગોશિયેટરની ત્રણ અતિ મહત્ત્વની ભૂમિકાની માગણી કરી હતી.

અંગત મિત્રને પાઠવેલા ઈ-મેઈલમાં બોરિસે ગોવ વિશે ચેતવણી ન માનવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે હવે બ્રેક્ઝિટ કેમ્પમાં યાદવાસ્થળી જામશે અને સત્તા રિમેઈન કેમ્પ (થેરેસા મે)ના હાથમાં જશે. માઈકલ ગોવે છેહ દીધા વિશે કોઈ ટીપ્પણીનો ઈનકાર કરતા હતાશ બોરિસે ગોવને તમામ શક્ય સફળતાની ઈચ્છા દર્શાવી હતી.

રેફરન્ડમનું પરિણામ આવ્યા પછી બોરિસ જ્હોન્સને પણ લોકોના રોષનો સામનો કરવો પડ્યો છે. બ્રેક્ઝિટ કેમ્પના વિજયની જાહેરાત પછી દેખાવકારોએ તેમના ઘરની બહાર તેમને અપશબ્દોથી નવાજ્યા હતા. બ્રેક્ઝિટ વિજયના શિલ્પી હોવાં છતાં સાથી માઈકલ ગોવના કારણે બોરિસને નેતાપદની સ્પર્ધામાંથી પીછેહઠ કરવી પડી ત્યારે ગોવે તેમનો ‘દ્રોહ’ કર્યો હોવાના પ્રશ્નનો ઉત્તર આપવા તેમણે સતત ઈનકાર કર્યો હતો. એક નાગરિકે બોરિસ સામે આક્ષેપ લગાવ્યો હતો કે તેઓ મોટા કલંક છે અને બ્રેક્ઝિટ વોટ હાંસલ કર્યા પછી જવાબદારીઓથી ભાગી રહ્યા છે. જોકે, બોરિસે આ તદ્દન ખોટું હોવાનું જણાવ્યું હતું.

માઈકલ ગોવ સામે ભારે રોષ

બોરિસ ઈયુમાંથી દેશને બહાર લઈ ગયા પછી વડા પ્રધાન તરીકે યોજનાઓનો અમલ કરવા ‘કમનસીબ’ રહેશે. તેમના મિત્રોએ બોરિસ જવાબદારીથી ભાગી રહ્યા હોવાનો ઈનકાર કર્યો હતો. બોરિસનો લાભ લઈને તેમને પાછળથી છેહ દેવાની ગોવની આગોતરી યોજના હોવાનું પણ મિત્રોએ કહ્યું હતુ. ટોરી સાંસદ બેન વોલેસે તો એક ટેલિવિઝન શ્રેણીના પાત્ર થીઓન ગ્રેજોયની માફક ગોવની ‘નસબંધી’ કરવાની ધમકી ઉચ્ચારી હતી. પૂર્વ ચાન્સેલર કેન ક્લાર્કે ચર્ચામાં ઝૂકાવતા ગોવને નેતૃત્વની સ્પર્ધામાંથી ખસી જવા જણાવ્યું હતું.

ગોવના ઉમેદવારી અભિયાનનો આરંભ

જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવે ટોરી પાર્ટીની નેતાગીરીની સ્પર્ધામાં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. પોતે કોઈને છેહ દીધાનો ઈનકાર કરતા કહ્યું હતું કે તેમનું રાજકારણ ‘દિલ’માંથી આવે છે. તેમણે એવો સધિયારો આપ્યો હતો કે એક વખત આપણે ઈયુમાંથી બહાર નીકળી ગયા પછી તેઓ નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)માં દર સપ્તાહે વધારાના ૧૦૦ મિલિયન પાઉન્ડનું ભંડોળ આપશે અને ઈમિગ્રેશન પર અંકુશ મૂકવા મુક્ત અવરજવરનો અંત લાવશે. તેમણે વોટ લીવ દ્વારા અપાયેલાં વચનો પરિપૂર્ણ કરવાના અમલની ખાતરી આપી હતી. ગોવે દલીલ કરી હતી કે તેમના હરીફ થેરેસા મેએ રિમેઈન છાવણીને ટેકો આપ્યો હોવાથી દેશનું નેતૃત્વ કરવા માટે યોગ્ય રહ્યાં નથી.

થિન્ક-ટેન્ક પોલિસી એક્સચેન્જની ઓફિસે બોલતા ગોવે કહ્યું હતું કે તેઓ કોઈ ‘મહત્ત્વાકાંક્ષા કે ગણતરી’થી નહિ, પરંતુ, ‘દૃઢ વિશ્વાસ’ના કારણે નેતાપદની ઉમેદવારી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘મારી મર્યાદાઓ જાણતો હોવાથી હું ખચકાતો હતો હતો. મારી પાસે કોઈ કરિશ્મા કે ગ્લેમર નથી. પરંતુ મારા સમગ્ર રાજકીય જીવન દરમિયાન ‘શું આ પગલું સાચું છે, તમારું હૃદય શું કહે છે’ તેવો એક પ્રશ્ન સતત પૂછતો રહ્યો છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter