ટોરી પાર્ટીમાં આંતરયુદ્ધઃ થેરેસા મેનાં નેતૃત્ત્વ સામે બળવાખોર સાંસદોનો અવિશ્વાસ પ્રસ્તાવ

નો-કોન્ફિડન્સ મતદાન માટે જરુરી ૪૮ પત્ર મળ્યાઃ થેરેસા મે તમામ તાકાત સાથે લડત આપવા મક્કમઃ કેબિનેટ મિનિસ્ટર્સનું થેરેસાને સમર્થનઃ બ્રેક્ઝિટમાં ૨૯ માર્ચ પછી પણ ભારે વિલંબની ચેતવણી

Wednesday 12th December 2018 06:26 EST
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ સમજૂતી પર મતદાન હાલ ટાળી દીધું છે પરંતુ, ટોરી પાર્ટીમાં તેમના વિરુદ્ધ બળવાને શમાવી શક્યાં નથી. બળવાખોર ટોરી સાંસદો તેમના નેતૃત્વ સામે નો-કોન્ફિડન્સ મતદાન લાવવામાં સફળ રહ્યાં છે. ટોરી ૧૯૨૨ કમિટીના ચેરમેન સર ગ્રેહામ બ્રેડીએ જણાવ્યા અનુસાર નો-કોન્ફિડન્સ મતદાન માટે જરુરી ૪૮ પત્ર મળી જવાથી બુધવાર, ૧૨ ડિસેમ્બરની સાંજે ગુપ્ત મતદાન યોજાશે. આ મુદ્દે થેરેસા મેએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ તમામ તાકાત સાથે લડત આપવા મક્કમ છે. કેબિનેટ મિનિસ્ટર્સે વડા પ્રધાન મેને ટેકો જાહેર કર્યો છે. બ્રેક્ઝિટ સમજૂતીમાં નવી કોઈ છૂટછાટ નહિ આપવાની જાહેરાત પછી નબળાં પડેલાં થેરેસા મેનો પરાજય થશે તો તેમણે વડા પ્રધાનપદ છોડવું પડશે અને પાર્ટીના નવા નેતાની ચૂંટણી થશે.

વડા પ્રધાન મેએ ટોરી સાંસદોને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો તેમનો પરાજય થશે તો બ્રેક્ઝિટમાં ૨૯ માર્ચ પછી પણ ભારે વિલંબ થશે અને કદાચ જેરેમી કોર્બીન સત્તા પર આવી જશે.. હું વડા પ્રધાનપદ સંભાળ્યાં પછી અવિરત કામ કરતી રહી છું અને હું કામ પરિપૂર્ણ કરવા પ્રતિબદ્ધ છું. હાલ કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તન દેશના ભવિષ્યને જોખમમાં મૂકશે અને ભારે અનિશ્ચિતતા સર્જાશે. નવા નેતાને બ્રેક્ઝિટની નવી સમજૂતી અને પાર્લામેન્ટમાં કાયદો પસાર કરાવવાનો પૂરતો સમય નહિ મળે.’ કેબિનેટ મિનિસ્ટર્સ જેરેમી હન્ટ, સાજિદ જાવિદ, માઈકલ ગોવ, એમ્બર રડ, ડેવિડ ગૌકે, પેની મોરડાઉન્ટ અને બ્રેન્ડોન લૂઈએ વડા પ્રધાનને સમર્થન જાહેર કર્યું છે. જોકે, વરિષ્ઠ ટોરી સાંસદો સર બર્નાર્ડ જેન્કિન, બેકબેન્ચર જેકોબ રીસ-મોગ, કેબિનેટ મિનિસ્ટર ઓવેન પેટરસન સહિતના સાંસદો થેરેસા મેને હટાવવા મક્કમ છે.

મિસિસ મેએ નવા સંજોગોમાં આયર્લેન્ડની મુલાકાત અને કેબિનેટની મીટિંગ રદ કરી હતી. જો મે એક મતથી પણ મતદાનમાં જીતી જશે તો વડા પ્રધાનપદ જાળવી શકશે અને આગામી ૧૨ મહિના સુધી તેમની નેતાગીરીને પડકારી શકાશે નહિ. મતદાનમાં હાર્યા પછી પણ નવો નેતા ન ચૂંટાય અને મહારાણી દ્વારા તેનો સ્વીકાર ન કરાય ત્યાં સુધી તેઓ વડા પ્રધાનપદે રહી શકે છે. જોકે, વાસ્તવમાં મોટી સરસાઈ હાંસલ ન થાય તો તેમને જવું પડશે કારણકે બળવાખોરોના દાવા મુજબ ૮૦થી વધુ સાંસદો તેમનો વિરોધ કરી રહ્યા છે. જો એક મહિના અગાઉ આવું મતદાન થયું હોત તો તેમનો વિજય નિશ્ચિત હતો પરંતુ, બ્રેક્ઝિટ સમજૂતી પછી તેમની સ્થિતિ નબળી પડી છે.

ઉલ્લેખનીય છે કે હાલ અભરાઈએ ચડાવી દેવાયેલાં બ્રેક્ઝિટ સમજૂતી મતદાનમાં સંભવિત પરાજય પછી થેરેસા મેએ રાજીનામું આપે તેવી પરિસ્થિતિમાં હોમ સેક્રેટરી સાજિદ જાવિદ, ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટ, પૂર્વ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોનસન, પૂર્વ બ્રેક્ઝિટ સેક્રેટરી ડોમિનિક રાબ પણ ઉચ્ચ હોદ્દાને હાંસલ કરવા મેદાને પડ્યા હતા. સાજિદ જાવિદે તો ટોરી સાંસદોનો ટેકો હાંસલ કરવાની હિલચાલ પણ આરંભી હતી તેમ કહેવાય છે. આ ઉપરાંત, માઈકલ ગોવ, આન્દ્રેઆ લીડસોમ, પેની મોરડાઉન્ટ, જેકોબ રીસ-મોગ અને ડેવિડ ડેવિસ પણ જંગમાં ઝૂકાવી શકે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter