ટોરી મંત્રીઓ અને અધિકારીઓ સરકારી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેશ મશીનની જેમ કરતા હોવાનો આરોપ

એક વર્ષમાં સરકારી ક્રેડિટ કાર્ડ દ્વારા જલસામાં 150 મિલિયન પાઉન્ડ ખર્ચાયા હોવાનો આરોપ

Tuesday 14th February 2023 14:50 EST
 
 

લંડન

લેબર પાર્ટીએ આરોપ મૂક્યો છે કે સરકારના મંત્રીઓ અને અધિકારીઓ કરદાતાઓના ભોગે તેમને અપાયેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ લક્ઝરી પ્રવાસો અને હોટેલોમાં ખર્ચ માટે કરી રહ્યાં છે. તેઓ જનતાના નાણાનો ઉપયોગ કેશ મશીનની જેમ કરી રહ્યાં છે. લેબર પાર્ટી રિશી સુનાક અને નવા ટોરી ચેરમેન ગ્રેગ હેન્ડ્સ સહિતના ટોરી નેતાઓ દ્વારા ફાઇવ સ્ટાર હોટલોની મુલાકાતની માહિતી સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ કરી રહી છે. જોકે ટોરી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે ગવર્મેન્ટ પ્રોક્યોરમેન્ટ કાર્ડના ઉપયોગની તમામ માહિતી પબ્લિક ડોમેઇનમાં છે. ટોરી સરકાર દ્વારા જ આ પારદર્શિતા લાવવામાં આવી છે.

લેબર પાર્ટી દ્વારા તૈયાર કરાયેલા ડોઝિયરમાં આરોપ મૂકાયો છે કે છેલ્લા એક વર્ષમાં સરકારના મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા ખાણીપીણી અને શરાબ તથા મોંઘીદાટ હોટલોમાં રહેવા પાછળ સરકારી ક્રેડિટ કાર્ડ દ્વારા 150 મિલિયન પાઉન્ડ ખર્ચી નાખવામાં આવ્યા છે.

પ્રાપ્ત થતા આંકડા અનુસાર વ્હાઇટહોલના 14 વિભાગો દ્વારા 2021માં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી 145.5 મિલિયન પાઉન્ડ ખર્ચી નંખાયા હતા. જેની સામે તે પહેલાંના 10 વર્ષમાં 84.9 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરાયો હતો. જે એક દાયકામાં 71 ટકાનો વધારો દર્શાવે છે. લેબર પાર્ટીએ આરોપ મૂક્યો છે કે એપ્રિલ મહિનામાં બજેટ રિસેટ કરાયે તે પહેલાં અધિકારીઓએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને બેફામ નાણા ખર્ચી નાખ્યાં હતાં.

2021માં મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા તેમના પ્રવાસ દરમિયાન શરાબની પાછળ 2,25,000 પાઉન્ડ ખર્ચી નાખવામાં આવ્યા હતા. લેબર પાર્ટીના ડેપ્યુટી લીડર એન્જેલા રેયનરે જણાવ્યું હતું કે, બ્રિટન છેલ્લા કેટલાક દાયકાની સૌથી ગંભીર કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસનો સામનો કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન રિશી સુનાક અને ચાન્સેલર જેરેમી હન્ટ તેમના અધિકારીઓના બેફામ ખર્ચને અટકાવવામાં નિષ્ફળ રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter