ટોરી સંકટ ઘેરું બન્યુઃ સુએલા બ્રેવરમેન રિફોર્મ યુકેમાં સામેલ થયાં

મને એમ લાગી રહ્યું છે કે મારી ઘરવાપસી થઇ છેઃ પૂર્વ હોમ સેક્રેટરી

Tuesday 27th January 2026 09:18 EST
 
 

લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીનું સંકટ દિનપ્રતિદિન ઘેરું બની રહ્યું છે. એક પછી એક વરિષ્ઠ નેતાઓ પાર્ટી સાથે છેડો ફાડી રિફોર્મ યુકે સાથે હાથ મિલાવી રહ્યાં છે. છેલ્લા 11 દિવસમાં 3 કન્ઝર્વેટિવ સાંસદો રિફોર્મ યુકેમાં સામેલ થયાં છે. ટોરીઝ સાથે છેડો ફાડી ફરાજ સાથે હાથ મિલાવનારા ટોરી સાંસદોની સંખ્યા 8 પર પહોંચી છે. રોબર્ટ જેનરિક બાદ આ કડીમાં હવે પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનનું નામ જોડાયું છે. સોમવારે સુએલા બ્રેવરમેને રિફોર્મ યુકે સાથે જોડાવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, મને એમ લાગી રહ્યું છે કે મારી ઘરવાપસી થઇ છે.

રિફોર્મ યુકેની ઇવેન્ટ ખાતે બ્રેવરમેને જણાવ્યું હતું કે, હું માનું છું કે, સારો બ્રિટન દેશ સંભવિત છે. આજે હું કન્ઝર્વેટિવ પાર્ટીના વ્હીપ અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામુ આપી રહી છું. બ્રેવરમેન છેલ્લા 30 વર્ષથી કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય હતા.

બ્રેવરમેને જણાવ્યું હતું કે, આપણા માટે સારું ભવિષ્ય સંભવિત  તેમ હું હૃદયથી માનુ છું. હું રિફોર્મ યુકેમાં સામેલ થઇ રહી છું અને હવે ફેરહામ અને વોટરલૂવિલના સાંસદ તરીકે રિફોર્મ યુકે પાર્ટીનું પ્રતિનિધિત્વ

બ્રેવરમેને જણાવ્યું હતું કે, હું છેલ્લા કેટલાક સમયથી આ અંગે વિચારી રહી હતી. છેલ્લા બે વર્ષથી હું રાજકીય વનવાસ ભોગવી રહી હતી. કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી મારો વિશ્વાસ ઉઠી ગયો હતો. પરંતુ પાર્ટીમાં બદલાવ આવે છે કે કેમ તે હું જોવા માગતી હતી. વફાદારી માટે પ્રમાણિકતા જરૂરી છે અને પ્રમાણિકતા મને એમ કહેવાની ફરજ પાડે છે કે બ્રિટન ભાંગી ચૂક્યો છે. ઇમિગ્રેશન નિયંત્રણ બહાર ચાલ્યું ગયું છે. આપણી જાહેર સેવાઓ ઘૂંટણિયે પડી ગઇ છે. જનતા સુરક્ષિત નથી. આપણા યુવાઓ સારા ભવિષ્ય માટે દેશ છોડીને જઇ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે આપણા દેશનું અપમાન થઇ રહ્યું છે. 

વેલ્સ સેનેડ સભ્ય જેમ્સ ઇવાન્સની કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી હકાલપટ્ટી, રિફોર્મ યુકેમાં જોડાયા

વેલ્સના કન્ઝર્વેટિવ લીડર ડેરેન મિલરે સેનેડ મેમ્બર જેમ્સ ઇવાન્સની રિફોર્મ યુકેમાં જોડાવાની અટકળો વચ્ચે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે. જો કે રિફોર્મ યુકેના નેતા નાજલ ફરાજે જણાવ્યું હતું કે, રિફોર્મ યુકેમાં સામેલ થવા અંગે જેમ્સ ઇવાન્સ સાથે કોઇ વાતચીત ચાલી રહી નહોતી. આ હકાલપટ્ટી બાદ ઇવાન્સ વેલ્શની પાર્લામેન્ટમાં સ્વતંત્ર સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરશે. ઇવાન્સે જણાવ્યું હતું કે, ટોરીઝ મારા મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરતાં નથી. મને પાર્ટીમાંથી દૂર કરાયો છે.

કન્ઝર્વેટિવ હવે નેશનલ પાર્ટી રહેશે નહીઃ રોબર્ટ જેનરિક

ટોરીઝ સાથે છેડો ફાડનારા રોબર્ટ જેનરિકે જણાવ્યું છે કે કન્ઝર્વેટિવ હવે નેશનલ પાર્ટી રહેશે નહીં. કન્ઝર્વેટિવ હવે સમેટાઇ જશે અને લિબ ડેમ જેવી નાની પાર્ટી બની રહેશે. તેનું અસ્તિત્વ રહેશે તો પણ થોડા શહેરો અને પરાઓમાં જ પ્રતિનિધિત્વ કરતી હશે. મિડલેન્ડ્સ, નોર્થ અને ઇસ્ટ એન્ગ્લિયા, સ્કોટલેન્ડ અને વેલ્સમાં કન્ઝર્વેટિવ પાર્ટીનું નામુ નખાઇ જવાનું છે. રિફોર્મ યુકે જમણેરી વિચારધારાની મુખ્ય પાર્ટી બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter