લંડનઃ પોતાના સાથીઓના નૈતિક ધોરણો પર દેખરેખ રાખવા માટે જવાબદાર સાંસદ જ્યોફ્રી કોક્સ ખુદ પોતાની ૪૦૦,૦૦૦ પાઉન્ડની કમાણી જાહેર કરવામાં નિષ્ફળ ગયા હતા. તેમનો બચાવ એ હતો કે આવી બાહ્ય કમાણી થઈ હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું ન હતું. સ્ટાન્ડર્ડ્સ કમિટીએ કોક્સને કોમન્સની માફી માગવા જણાવ્યું હતું.
ટોરિજ અને વેસ્ટ ડેવોનના કન્ઝર્વેટિવ સાંસદ જ્યોફ્રી કોક્સે ગયા વર્ષે પાર્લામેન્ટરી કમિટી ઓન સ્ટાન્ડર્ડ્સના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું તેમણે કારણમાં જણાવ્યું હતું કે તેમણે બેરિસ્ટર તરીકેની કારકીર્દિમાં મેળવેલી કેટલીક કમાણી ધ્યાનમાં લીધી ન હતી. કોક્સ વેસ્ટમિન્સ્ટરના સૌથી વધુ કમાણી ધરાવતા સાંસદ કહેવાય છે. કોમર્શિયલ કામકાજ અને ફાઈનાન્સિયલ ક્રાઈમ ક્ષેત્રમાં હાઈ પ્રોફાઈલ કારકીર્દિ ધરાવતા કોક્સે માત્ર ૨૦૧૪માં જ ૮૦૦,૦૦૦ પાઉન્ડની બાહ્ય કમાણી જાહેર કરી હતી. પાર્લામેન્ટરી કમિશનર ફોર સ્ટાન્ડર્ડ્સ કેથરીન હડસને કહ્યું હતું કે મિ. કોક્સ જાન્યુઆરી ૨૦૧૪થી મે ૨૦૧૫ના ગાળામાં કોમન્સ ઓથોરિટીઝને કુલ ૪૦૦,૦૦૦ પાઉન્ડના ૧૧ પેમેન્ટ્સની જાણ કરવામાં નિષ્ફળ ગયા હતા અને તે ગૃહના નિયમોનું ગંભીર ઉલ્લંઘન હતું. જોકે, તેમને ભૂલ ધ્યાનમાં આવતા જ કમિશનરને નિયમભંગની જાણ કરી માફી માગી હતી.
૨૦૦૫માં સંસદમાં પ્રવેશેલા મિ. કોક્સે કમિશનરને જણાવ્યું હતું કે મળેલા નાણા પોતાને ધ્યાને મૂકવા તેમણે પોતાની બેરિસ્ટર ચેમ્બર્સના કલાર્કને સૂચના આપેલી હતી, પરંતુ ક્લાર્કની નિવૃત્તિ પછી વ્યવસ્થા ભાંગી પડી હતી. રાજકારણીઓને સાંસદ તરીકે મળતા ૬૭,૦૬૦ પાઉન્ડના વેતન ઉપરાંત, અન્ય નોકરી કરવાની છૂટ મળે છે. જોકે, તેમણે આવી આવક મળ્યાના ૨૮ દિવસમાં પેમેન્ટ્સની જાહેરાત કરવી પડે છે. ૨૦૧૫ના આંકડા અનુસાર આશરે ૧૮૦ સાંસદ બીજી નોકરીઓ કરે છે અને તેમાંથી કુલ વાર્ષિક ૭.૪ મિલિયન પાઉન્ડની કમાણી મેળવે છે.


