લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ અંગે હાઈ કોર્ટના ચુકાદાને અવગણી પોતાની યોજનામાં આગળ વધવાનો નિર્ણય જાહેર કરવાના પગલે કન્ઝર્વેટિવ સાંસદ સ્ટીફન ફિલિપ્સે સરકારની નીતિ સાથે ભારે મતભેદો હોવાનું જણાવી વિરોધમાં સાંસદ તરીકે રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું હતું કે સાંસદોને મતાધિકારનો ઈનકાર આપખુદશાહી છે.
ઉલ્લેખનીય છે કે ફિલિપ્સે લીવ છાવણીની તરફેણમાં મતદાન કર્યું હતુ પરંતુ, પાર્લામેન્ટને વિશ્વાસમાં લીધા વિના જ આર્ટિકલ-૫૦ અન્વયે ઈયુ છોડવાની પ્રક્રિયામાં આગળ વધવાના વડા પ્રધાનના પગલાનો વિરોધ કરી રહ્યા છે. હાઈ કોર્ટે ફંડ મેનેજર જિના મિલરના કાનૂની પડકારના કેસના ચુકાદામાં જણાવ્યું છે કે વડા પ્રધાન પાસે આવી કોઈ વિશેષ સત્તા નથી.
ફિલિપ્સે પોતાના નિવેદનમાં બ્રેક્ઝિટનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી પરંતુ, જણાવ્યું હતું કે,‘ગત થોડાં મહિનાઓમાં વર્તમાન સરકાર સાથે મારા નીતિવિષયક મતભેદો વધી રહ્યા હોવાનું મને લાગ્યું છે. મને જે લોકોએ ચૂંટ્યો છે તેમનો અવાજ યોગ્યપણે હું રજૂ કરી શકતો નથી.’ આર્ટિકલ-૫૦ અન્વયે વાટાઘાટો અગાઉ પાર્લામેન્ટનો અવાજ નહિ સાંભળવાનું લોકશાહીવિરોધી અને ગેરબંધારણીય છે, જેના લીધે રેફરન્ડમના કારણે ઉદ્ભવેલા સમાજના વિઘટનને ઉત્તેજન મળશે, તેમ પણ ફિલિપ્સે ગયા મહિને લખ્યું હતું.
ફિલિપ્સે અગાઉ, વડા પ્રધાનની બ્રેક્ઝિટ સ્ટ્રેટેજી સામે સર્વપક્ષીય લડતનું વડપણ કર્યું હતું. બાળ શરણાર્થીઓના મુદ્દે તેઓ ગત કેમરન સરકાર સામે પણ સંઘર્ષમાં ઉતર્યા હતા. તેમના રાજીનામાથી ટોરી પાર્ટીની સ્લીફર્ડ એન્ડ નોર્થ હાઈકહામની સલામત બેઠક પર પેટાચૂંટણી કરાવવી પડશે. અગાઉ, હીથ્રો વિસ્તરણ મુદ્દે ઝેક ગોલ્ડસ્મિથે પણ સાંસદ તરીકે રાજીનામું આપી દીધું છે.


