લંડનઃ શું વડાપ્રધાન રિશી સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટી ઐતિહાસિક પરાજયનો સામનો કરી રહી છે? અત્યાર સુધીના સરવે અને ઓપિનિયન પોલમાં ટોરીઝના કારમા પરાજયની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તાજેતરમાં ટેલિગ્રાફ અખબાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા સવાન્તા સરવેમાં આગાહી કરવામાં આવી છે કે કન્ઝર્વેટિવ પાર્ટી ફક્ત 53 સાંસદોમાં સમેટાઇ જશે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વડાપ્રધાન રિશી સુનાક પણ પરાજિત થાય તેવી સંભાવના છે. જો તેમ થશે તો રિશી સુનાક પરાજિત થનારા પ્રથમ કાર્યરત વડાપ્રધાન બની રહેશે.
સરવેમાં જણાવ્યા અનુસાર સુનાકની પાર્ટીને નોર્થ ઇસ્ટ, નોર્થ વેસ્ટ સહિતના મહત્વના ગણાતા સંસદીય વિસ્તારોમાં મોટો ફટકો પડે તેવું અનુમાન છે. જેરેમી હન્ટ, પેની મોર્ડોન્ટ સહિતના મહત્વના કેબિનેટ મિનિસ્ટરો આ વિસ્તારોમાંથી આવે છે. નોર્થ વેસ્ટમાંથી ટોરીઝને ફક્ત 3 બેઠક જ મળવાની સંભાવના છે. જેરેમી હન્ટ, મોર્ડોન્ટ સહિતના સંખ્યાબંધ મંત્રીઓ તેમની બેઠક ગુમાવે તેવી સંભાવના છે.
યુગવ અને અન્ય પોલિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર લગભગ 200 બેઠકો પર ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે અને એક નાનકડો બદલાવ પણ ચૂંટણી પરિણામો પર વ્યાપક અસર કરશે. યુગવના જણાવ્યા અનુસાર કન્ઝર્વેટિવ પાર્ટીને તેના 200 વર્ષના ઇતિહાસમાં સૌથી ઓછી બેઠકો મળવાની સંભાવના છે. લેબર પાર્ટી 200 બેઠકની બહુમતી મેળવે તેવી સંભાવના છે તેનો અર્થ એ થયો કે લેબરનો આંકડો 425 પર પહોંચી શકે છે. કન્ઝર્વેટિવ પાર્ટીને મહત્તમ 108 જ્યારે લિબરલ ડેમોક્રેટને 67, એસએનપીને 20, રિફોર્મ યુકેને પાંચ અને ગ્રીન પાર્ટીને બે બેઠક મળવાની સંભાવના છે.
રિશીને પરાજિત કરી લેબરના ટોમ વિલ્સન જાયન્ટ કીલર બનશે?
શું લેબર પાર્ટીના રિચમન્ડ એન્ડ નોર્થલ્લેર્ટનના ઉમેદવાર 29 વર્ષીય ટોમ વિલ્સન વડાપ્રધાન રિશી સુનાકને પરાજિત કરી બ્રિટનના ઇતિહાસના સૌથી મોટા જાયન્ટ કીલર બની રહેશે? વિલ્સન કહે છે કે હું જીતું કે ન જીતું પરંતુ મતદારોની માનસિકતા બદલાઇ રહી છે. ટોરીના ગઢ સમાન બેઠકના કાંગરા ખરી રહ્યાં હોવાનો આ સંકેત છે. ઓપિનિયન પોલ પણ સંકેત આપી રહ્યાં છે કે ટોમ વિલ્સન જાયન્ટ કીલર બની શકે છે.


