લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીમાં વડાપ્રધાન રિશી સુનાકના નેતૃત્વ સામે ફરી એકવાર ગણગણાટ શરૂ થઇ ગયો છે. પાર્ટીની જમણેરી પાંખના સાંસદોનું એક જૂથ ઇચ્છે છે કે આગામી સંસદની ચૂંટણીમાં પેની મોરડોન્ટ પાર્ટીનું નેતૃત્વ કરે. આગામી ચૂંટણીમાં પાર્ટીને થનારા નુકસાનને ઘટાડવા આ સાંસદો ડોરમોન્ટન સમર્થન આપવા તૈયાર થયા હોવાનું મનાય છે. સાંસદોના જૂથના અગ્રણી આગેવાનો અને મોરડોન્ટના સમર્થકો વચ્ચે તાજેતરમાં જ એક મુલાકાત યોજાઇ હતી. આ સાંસદો તાજેતરના ઓપિનિયન પોલના પરિણામોથી ઘણા ચિંતિત છે. લેબર પાર્ટી કન્ઝર્વેટિવ કરતાં 20 પોઇન્ટ વધુ લોકપ્રિયતા ધરાવે છે.
ટોરી રાઇટના એક સૂત્રે જણાવ્યું હતું કે ,આ સપ્તાહમાં જમણેરી પાંખના કેટલાક સાંસદો અને ટીમ પેની વચ્ચે મુલાકાત યોજાઇ હતી. મુલાકાતમાં તેમણે મોરડોન્ટને સમર્થન આપવાની તૈયારી દર્શાવી હતી. તેમના મતે સુનાકનું સ્થાન લેવા માટે મોરડોન્ટ યોગ્ય વ્યક્તિ છે. પેની મોરડોન્ટ પાર્ટીને નુકસાનમાંથી બચાવી શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સુનાકના ટીકાકારો તેમની કેબિનેટમાંથી વધુ એક રાજીનામુ પડવાની રાહ જોઇ રહ્યાં છે. આમ તો સુનાકની કેબિનેટમાંથી રાજીનામુ આપવા કોઇ મંત્રી તૈયાર નથી પરંતુ જમણેરીઓનું માનવું છે કે એક રાજીનામુ પાર્ટીમાં અંધાધૂંધી સર્જી શકે છે.
જેમ્સ હીપ્પેની મંત્રીપદ છોડવાની જાહેરાત, સુનાકને વધુ એક ફટકો
લંડનઃ સુનાક સરકારના આર્મ્ડ ફોર્સિસ મિનિસ્ટર જેમ્સ હીપ્પેએ પારિવારિક કારણોસર હોદ્દો છોડવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે વડાપ્રધાન રિશી સુનાકને વધુ એક ફટકો પડશે. હીપ્પેએ સંરક્ષણ માટે ફાળવાતા ઓછા બજેટ સામે પણ હૈયાવરાળ ઠાલવી હતી. સેનામાં આપેલી 10 વર્ષની સેવાઓમાં હીપ્પેએ ઇરાક, અફઘાનિસ્તાન અને નોર્ધન આયર્લેન્ડમાં ફરજ બજાવી હતી. તેઓ આ મહિનાના અંતે રાજીનામુ આપી દેશે. તેમણે આગામી ચૂંટણી લડવાનો પણ ઇનકાર કરી દીધો છે. સ્થાનિક એસોસિએશનને પાઠવેલા પત્રમાં હીપ્પેએ જણાવ્યું હતું કે, રાજકારણને અલવિદા કહેવાનો અને પરિવારને પ્રાથમિકતા આપવાનો સમય આવી ગયો છે. હું હવે અન્ય કારકિર્દીમાં ઝંપલાવવા માગુ છું. હીપ્પે કન્ઝર્વેટિવ પાર્ટીના 65મા સાંસદ છે જેમણે આગામી સંસદની ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. ગયા સપ્તાહમાં પૂર્વ વડાં પ્રધાન થેરેસા મેએ 27 વર્ષથી પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે તે બર્કશાયર બેઠકનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી.