લંડનઃ આખરે ચાર મહિનાની લાંબી પ્રક્રિયા બાદ 2 નવેમ્બર 2024ના રોજ કન્ઝર્વેટિવ પાર્ટીને નવા નેતા મળી ગયા છે. કેમી બેડનોક પુરોગામી રિશી સુનાકનું સ્થાન લઇ રહ્યાં છે. શનિવારે સેન્ટ્રલ લંડનમાં આયોજિત કાર્યક્રમમાં પૂર્વ બિઝનેસ સેક્રેટરી કેમી બેડનોકને નેતાપદની ચૂંટણીમાં વિજેતા જાહેર કરાયાં હતાં. તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી રોબર્ટ જેનરિકને 53,806 મત વિરુદ્ધ 41,788 મતથી પરાજય આપ્યો હતો. આ સાથે બ્રિટનની સૌથી મોટી રાજકીય પાર્ટીનું નેતૃત્વ સૌપ્રથમવાર અશ્વેત મહિલા નેતાના હાથમાં સોંપાયું છે. માર્ગારેટ થેચર, થેરેસા મે, લિઝ ટ્રસ બાદ કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ કરનારા કેમી બેડનોક ચોથા મહિલા નેતા બન્યાં છે. તેઓ રિશી સુનાકનું સ્થાન લેશે. 2022ના સમર બાદ ટોરી પાર્ટીને ચોથા નેતા મળ્યાં છે.
જુલાઇ મહિનામાં યોજાયેલી સંસદની ચૂંટણીમાં પાર્ટીને મળેલા કારમા પરાજય બાદ કેમી બેડનોક પર હવે ટોરીઝને ફરીથી સત્તા પર લાવવાની મહત્વની જવાબદારી છે. જુલાઇની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ફક્ત 121 સાંસદ ચૂંટાઇ આવ્યા હતા. સંસદમાં ઓછા સાંસદો સાથે લેબર સરકારને પડકાર આપવાની જવાબદારી પણ તેમના માથે છે.
પાર્ટીના નેતાપદે ચૂંટાઇ આવ્યા પછી કેમી બેડનોકે લેબર સરકારના સૌપ્રથમ બજેટની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, લેબર સરકાર પાસે કોઇ યોજના નથી. તે ફક્ત કન્ઝર્વેટિવ પાર્ટીની અગાઉની સરકારો પર દોષનો ટોપલો મઢી રહી છે. હાલની આર્થિક સ્થિતિને જોતાં લેબર પાર્ટી માટે સબ સલામત નહીં રહે અને તેના દ્વારા જ કન્ઝર્વેટિવ પાર્ટીનો સત્તામાં વાપસીનો માર્ગ તૈયાર થશે.
કેમી બેડનોકનું બાળપણ નાઇજિરિયામાં વીત્યું
નાઇજિરિયન મૂળના બ્રિટિશ કેમી બેડનોક ડોક્ટર પિતા અને ફિઝિયોલોજીમાં પ્રોફેસર માતાના 3 સંતાન પૈકીના એક છે. લંડનમાં જન્મ છતાં તેમનો ઉછેર નાઇજિરિયાની રાજધાની લાગોસમાં થયો હતો. નાઇજિરિયામાં રાજકીય અસ્થિરતા સર્જાયા બાદ કેમી 16 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર યુકેમાં આવી ગયો હતો.
કેમી બેડનોક ઇજનેરી અને કાયદાના સ્નાતક
કેમી બેડનોકે સસેક્સ યુનિવર્સિટી અને બર્કબેક કોલેજમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં ઇજનેરી અને કાયદાની ડિગ્રીઓ હાંસલ કરી હતી. રાજકારણમાં સંપુર્ણપણે સક્રિય થતાં પહેલાં તેઓ આઇટી પ્રોફેશનલ અને કન્સલ્ટન્સીમાં કામ કરી ચૂક્યાં છે. તેમણે કન્ઝર્વેટિવ મેગેઝિન સ્પેક્ટેટરમાં થોડો સમય ડિજિટલ ડિરેક્ટર તરીકે પણ કામગીરી કરી હતી. તેમણે બેન્કર હામિશ બેડનોક સાથે લગ્ન કર્યાં છે. તેમના પરિવારમાં 3 સંતાન છે.
કેમી બેડનોકની રાજકીય યાત્રા
કેમી બેડનોક સૌપ્રથમ વર્ષ 2015માં લંડન એસેમ્બ્લીમાં ચૂંટાઇ આવ્યા હતા. ત્યારબાદ 2017માં તેઓ સંસદની ચૂંટણીમાં વિજેતા બની હાઉસ ઓફ કોમન્સ પહોંચ્યા હતા. 2019થી 2022 વચ્ચે તત્કાલિન વડાપ્રધાન બોરિસ જ્હોન્સનની સરકારમાં વિવિધ સરકારી ભુમિકા ભજવી હતી. લિઝ ટ્રસ અને રિશી સુનાકના નેતૃત્વ હેઠળની સરકારોમાં તેઓ ટ્રેડ સેક્રેટરી અને બિઝનેસ સેક્રેટરી તરીકે કામગીરી કરી ચૂક્યાં છે.
રિશી સુનાક સાંસદ તરીકે કામગીરી કરતા રહેશે
લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ છોડ્યા બાદ પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક સંસદમાં બેક બેન્ચર તરીકે કામ કરતા રહેશે. તેમના મિત્રોના જણાવ્યા અનુસાર રિશી સુનાક કેલિફોર્નિયા જતા રહેશે તેવા કટાક્ષનો સ્પષ્ટ ઉત્તર આપી રહ્યા છે. તેમણે તેમના સહયોગીઓને જણાવ્યું હતું કે, મારી દીકરીઓ હાલમાં જ સ્કૂલમાં સેટલ થઇ છે અને હું મારા પારિવારિક જીવનમાં કોઇ અવરોધ આવે તેમ ઇચ્છતો નથી. 650 મિલિયન પાઉન્ડની સંપત્તિ ધરાવતા સુનાક હાલમાં કોઇ જોબ સ્વીકારે તેવી પણ સંભાવના નથી. જોકે તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરવા ઉત્સુક છે.
બેડનોકની શેડો કેબિનેટમાં ડેમ પ્રીતિ પટેલને શેડો ફોરેન સેક્રેટરી બનાવાયાં
લંડનઃ ટોરી નેતાપદે ચૂંટાયેલા કેમી બેડનોકે શેડો કેબિનેટમાં તેમના લીડરશિપ રાઇવલ્સને સ્થાન આપ્યું છે. રોબર્ટ જેનરિકને શેડો જસ્ટિસ સેક્રેટરી, મેલ સ્ટ્રાઇડને શેડો ચાન્સેલર અને ડેમ પ્રીતિ પટેલને શેડો ફોરેન સેક્રેટરી તરીકે શેડો કેબિનેટમાં સ્થાન અપાયું છે.


