લંડનઃ ટોરી સાંસદોમાં હાલમાં એક વિચિત્ર પ્રકારની અસમંજસ ચાલી રહી છે. ટોરી સાંસદોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જો તેઓ દાઢી વધારશે તો તેમના મતદારો તેમનાથી દૂર થઇ જશે. પાર્ટીના સહયોગીઓ દ્વારા આ પ્રકારની સલાહ અપાયા બાદ એક સાંસદે તો જાતે રેઝર કાઢીને દાઢી મુંડી નાખી હતી. તાજેતરના મહિનાઓમાં મોટી સંખ્યામાં ટોરી પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ક્લીન શેવ દેખાવ પસંદ કરી લીધો છે. તાજેતરમાં હોમ ઓફિસ મિનિસ્ટર ક્રિસ ફિલિપ પણ ક્લીન શેવ જોવા મળ્યા હતા.
દાઢી મુંડાવી નાખનાર એક વરિષ્ઠ ટોરી નેતાએ જણાવ્યું હતું કે, દાઢી વધારવાથી મતદારો તમારાથી દૂર થઇ જાય છે. લોકો કહે છે કે જો તમે દાઢી વધારશો તો મતદારો તમારાથી દૂર થઇ જશે. તેથી મેં દાઢી મુંડાવી દીધી છે. મેં આ કામ કેટલાક સહયોગીઓના કહેવાથી કર્યું છે. ટોરી હેડ ઓફિસ દ્વારા આવો કોઇ આદેશ જારી કરાયો નથી.
તાજેતરના સપ્તાહોમાં ક્લીન શેવ કરનારા ટોરી સાંસદોમાં હોમ ઓફિસ મિનિસ્ટર ક્રિસ ફિલિપનો પણ સમાવેશ થાય છે. જોકે જાહેરમાં તેઓ એમ કહી રહ્યાં છે કે પરિવારને પસંદ નહોતી તેથી મેં દાઢી મુંડાવી દીધી છે.
ક્રિસમસના સમયમાં દાઢી વધારનારા ટીમ લાઉટને સંસદમાં પરત ફરતાની સાથે જ ક્લીન શેવ કરાવી દીધી હતી. તેઓ કહે છે કે માર્ગારેટ થેચર પણ દાઢી વધારનારા સાંસદો પસંદ કરતા નહોતા. થેચર માનતા કે દાઢી વધારવાથી મતદારો દૂર થઇ જાય છે. થોડા વર્ષો પહેલાં મેં આ અંગે મારા મતદારોમાં એક સરવે પણ કરાવ્યો હતો જેમાં 51 ટકા મતદારોએ દાઢી વધારવાનો વિરોધ કર્યો હતો.

