ટોરીમાં ઘમસાણઃ કદાવર નેતા રોબર્ટ જેનરિકની પાર્ટીમાંથી હકાલપટ્ટી

બેડનોકની કાર્યવાહીના થોડા જ કલાકમાં જેનરિકે રિફોર્મ યુકે સાથે હાથ મિલાવ્યા

Tuesday 20th January 2026 09:31 EST
 
 

લંડનઃ એકસમયે અજેય ગણાતી કન્ઝર્વેટિવ પાર્ટીની માઠી બેઠી છે. રિફોર્મ યુકેના ઉદય બાદ સંખ્યાબંધ નેતાઓ પાર્ટી સાથે છેડો ફાડીને નાઇજલ ફરાજ સાથે હાથ મિલાવી ચૂક્યાં છે. ગયા સપ્તાહમાં કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ચાન્સેલર નધીમ ઝહાવી રિફોર્મ યુકેમાં સામેલ થયાના અહેવાલોની શાહી સૂકાઇ નથી ત્યાં વધુ એક વરિષ્ઠ નેતા અને શેડો જસ્ટિસ સેક્રેટરી રોબર્ટ જેનરિક રિફોર્મ યુકેમાં સામેલ થઇ ગયાં છે.

આમ તો 15 જાન્યુઆરીના રોજ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડનોકે જેનરિકની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી નાખી હતી. બેડનોકે તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ પાર્ટીને મોટું નુકસાન થાય તે રીતે પાર્ટી સાથે છેડો ફાડવા જેનરિકે ગુપ્ત યોજના બનાવી હોવાના પુરાવા સામે આવતાં આ પગલું લેવાયું છે.

આ રાજકીય ડ્રામાનો આટલેથી અંત આવ્યો નહોતો. બેડનોકની જાહેરાતના થોડા જ કલાકમાં જેનરિકે વેસ્ટમિન્સ્ટર ખાતે રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજ સાથે એક પત્રકાર પરિષદનું આયોજન કરી રિફોર્મ યુકેમાં સામેલ થવાની જાહેરાત કરી દીધી હતી.

પોતાના નિર્ણયને યથાર્થ ગણાવતા જેનરિકે જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ પાર્ટીએ તેના કાર્યકરો અને મતદારો સાથે દગો કર્યો છે. ઇકોનોમી અને ઇમિગ્રેશનના સહિતના ઘણા મામલામાં પાર્ટી અપ્રમાણિકપણે વર્તી છે. ચૂંટણી બાદ હું વિચારતો હતો કે પાર્ટીમાં બદલાવ આવશે અને નમ્રતા સાથે ભૂલો સુધારવામાં આવશે પરંતુ અફસોસ. એવું કશું જ થયું નથી.

જેનરિક બાદ સુએલા બ્રેવરમેન સહિત અન્ય 11 સાંસદો રિફોર્મ યુકે સાથે હાથ મિલાવે તેવી સંભાવના

રોબર્ટ જેનરિક રિફોર્મ યુકેમાં જોડાયા બાદકન્ઝર્વેટિવ પાર્ટીમાંથી વધુ સાંસદો છેડો ફાડીને નાઇજલ ફરાજ સાથે હાથ મિલાવે તેવી અટકળોએ વેગ પકડ્યો છે. પાર્ટીને લાગી રહ્યું છે કે વધુ 11 સાંસદ રિફોર્મ યુકેમાં સામેલ થઇ શકે છે. ટોરી નેતા કેમી બેડનોકે જેનરિકની પાર્ટીમાંથી હકાલપટ્ટી કર્યા બાદ તેમના નિકટના વતૃળમાં ચિંતા પ્રવર્તી રહી છે કે વધુ સાંસદો પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. ટોરી દ્વારા તૈયાર કરાયેલા આવા સંભવિત સાંસદોની યાદીમાં સુએલા બ્રેવરમેન, સર જ્હોન હેય્સ, માર્ક ફ્રાન્કોઇસ, એસ્તર મેકવી, એન્ડ્રુ રોસિનડેલ અને સર ડેસમન્ડ સ્વેઇન સામેલ છે. તે ઉપરાંત કેટી લેમ, બ્રેડલી થોમસ, લૂઇસ કોકિંગ અને શેડો મિનિસ્ટરો મેટ વિકર્સ અને જોય મોરિસી પણ આ પ્રવાહમાં સામેલ થાય તેવી સંભાવના છે.

રોમફોર્ડના સાંસદ એન્ડ્રુ રોસિનડેલ પણ ટોરી સાથે છેડો ફાડી રિફોર્મ યુકેમાં સામેલ

કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી શરૂ થયેલા પલાયનની કડીમાં રોમફોર્ડના સાંસદ અને પૂર્વ શેડો મિનિસ્ટર એન્ડ્રુ રોસિનડેલનું નામ પણ સામેલ થઇ ગયું છે. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી રાજીનામુ આપીને નાઇજલ ફરાજની રિફોર્મ યુકેમાં સામેલ થઇ ગયા છે. તેમણે જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ પાર્ટી અગાઉની સરકારોએ કરેલી ભૂલોના નુકસાનની ભરપાઇ ન થઇ શકે તે દિશામાં આગળ વધી રહી છે. પાર્ટી તેના નબળા નિર્ણયો માટે જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter