'મા અંબાજીએ અમારો રસ્તો બદલી નાંખ્યો નહિં તો આજે હું તમારી સાથે વાત કરવા માટે જીવતી રહી ન હોત, હજુ આજે પણ મારા પોતાના ઘરમાં છું.... પરંતુ હજુ મને ભય લાગે છે કે, ક્યાંક આતંકવાદીઅો આવીને ગોળીઅો નહિં છોડે ને!' આ શબ્દો છે મૂળ ભાદરણના વતની અને હાલ મિલ્ટન, કેમ્બ્રિજ ખાતે રહેતા પલ્લવીબેન નૈનેષભાઇ પટેલના.
ન્યુઝ એજન્ટ અને અોફ લાયસન્સની શોપ ધરાવતા નૈનેષભાઇ (ઉ.વ.૫૮) પલ્લવીબેન (ઉ.વ. ૫૭) તેમજ ચેસ્ટરટનમાં રહેતા અને પોસ્ટ અોફિસ ચલાવતા પારિવારીક મિત્ર સુરેશભાઇ પટેલ અને તેમના પત્ની શીલાબેન ગત તા. ૧૮ જૂનના રોજ ટ્યુનીશીયાના સૌસે જવા રવાના થયા હતા. ઇસ્લામીક આતંકવાદીઅોએ જ્યાં નૃશંસ હત્યાકાંડ આચરી ૩૦ બ્રિટીશ નાગરીકોની હત્યા કરી હતી તે સૌસેના રીયલ ઇમ્પીરીયલ મરહબા ફાઇવ સ્ટાર બીચ રીસોર્ટમાં રોકાયેલા પલ્લવીબેન અને મિત્રોએ ૧૦ દિવસ માટે બુકિંગ કરાવ્યું હતું અને તા. ૨૭ના રોજ પરત થવાના હતા. પરંતુ આતંકવાદીઅોએ આચરેલા હત્યાકાંડને પગલે બન્ને પટેલ યુગલ અને તેમના પરિવારજનોના જીવન બદલાઇ ગયા છે. કદાચ તેઅો જીવનભર આ દુ:ખદ પળોને ભૂલી શકશે નહિં.
ફોન પર વાત કરતી વખત પણ કાંપતા અને રડી પડતા પલ્લવીબેને જણાવ્યું હતું કે 'અમે રોજે રોજ સવારે નાસ્તો કરીને બીચ પર જતા રહેતા અને લંચ સમય સુધી બીચ પર જ રહીને મઝા કરતા. પરંતુ બનાવના દિવસે શુક્રવારે ૨૬ તારીખે અમે નાસ્તો કરતા હતા ત્યારે ટેબલ પર જ અચાનક જ પ્લાન બનાવ્યો હતો કે નાસ્તો કરીને ટાઉનમાં જવું અને થોડીક ખરીદી કરવી. અમે ચારે જણા ટેક્સી કરીને ટાઉનમાં ગયા હતા અને હજુ એક દુકાનમાંથી ખરીદી કરી હતી ત્યાં અમારો વિચાર ફરીથી બદલાયો હતો અને રીસોર્ટના બીચ પર જવાનું નક્કી કરી ટેક્સી કરીને અમે હોટેલ પર પરત આવ્યા હતા. સામાન્ય રીતે ટેક્સી રીસોર્ટના દરવાજા સુધી મૂકીને જતી રહેતી હોય છે, પરંતુ રીસોર્ટનો દરવાજો ખુલ્લો જોતા ટેક્સી ડ્રાઇવર અમને હોટેલની લોબી સુધી મૂકી ગયો હતો. આ એ જ ગેટ હતો જેના રસ્તા પરથી ફાયરીંગ કરતો આતંકવાદી બહારની તરફ ભાગ્યો હતો.'
પોતે બીચ પર જે સ્થળે બેસતા હતા, સ્વીમીંગ પુલ પર જતા હતા તે તમામ સ્થળે આતંકવાદીઅોએ લાશોના ઢગલા કરી દીધા હોવાનું જાણીને ભયગ્રસ્ત પલ્લવીબેને જણાવ્યું હતું કે 'મારી મિત્ર શીલા અને તેના પતિ સુરેશભાઇ બીચ પર જવાનું હોવાથી રૂમમાં ચેન્જ કરવા ગયા હતા. બીજી તરફ મારા પતિ નૈનેષ રિસોર્ટની લોબીમાં જ આવેલી ગીફ્ટ શોપમાં ગયા હતા. જ્યારે હું દિકરાને યુકેમાં ટેક્સ્ટ કરતી હતી. પરંતુ શીલાને આવવામાં વાર થતા હું અને નૈનેષ પણ રૂમમાં પરત થયા હતા. હું કપડા બદલીને અમુક ચીજ વસ્તુઅો બેગમાં મૂકીને બહાર નીકળવાની તૈયારી કરતી હતી ત્યાં જ અમને ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ આવ્યો હતો. અમને એમ કે રમઝાન માસ છે એટલે ફટાકડા ફોડતા હશે! પરંતુ અવાજ નજીક અને દરિયા તરફથી આવતો લાગતા અમે બન્ને બાલ્કનીમાં ગયા હતા. નૈનેષે તુરંત જ મને કહ્યું હતું કે આ તો ગનશોટ્સના અવાજ છે. બીજી તરફ બીચ તરફથી લોકો હોટેલ બિલ્ડીંગ તરફ દોડતા અવવા લાગ્યા અને બુમાબુમ થતા અમે ડરીને રૂમમાં જતા રહ્યા હતા.'
પલ્લવીબેને વધુમાં જણાવ્યું હતું કે 'અમે રૂમમાં ફફડતા હતા ત્યાં જ શીલાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે રૂમમાં જ રહેજો.... આતંકવાદીઅો બધાને મારી નાંખે છે. મારા પતિ નૈનેષે કઇ રીતે બચી શકાય તે જાણવા ફરીથી બાલ્કનીમાં જઇને જોતા એક માણસે અમને રૂમનો દરવાજો ખોલવા જણાવ્યું હતું. ડરીને અમે શરૂમાં તો દરવાજો ખોલવાની ના કહી પણ તેણે હોટેલ સ્ટાફ હોવાનું જણાવતા મેં માતાજીનું નામ લઇને દરવાજો ખોલતા તે પોતાની સાથે એક શ્વેત ટુરીસ્ટ અને હોટેલની ક્લીનરને લઇને અમારા રૂમમાં આવી ગયો હતો. તે શ્વેત ટુરીસ્ટ એટલી બધી ડરી ગઇ હતી કે રૂમમાં આવતાં જ જમીન પર ફસડાઇ પડી હતી અને રડતા કકળતા જણાવેલ કે તેનો ઝાંખુ જોઇ શકતો પતિ બીચ નજીક સ્વીમીંગ પુલ પાસે છે અને તેને આતંકવાદીઅોએ ચોક્કસ મારી નાંખ્યો હશે. મેં તેને સાંત્વના આપી હતી. બીજી તરફ હોટેલના સ્ટાફે ટીવી શરૂ કરતા અરબી ભાષામાં હોટેલ પર આતંકવાદી હુમલો કરાયો હોવાના સમાચાર આવતા હતા. તેણે ભાંગી તૂટી ભાષામાં અમને બધી માહિતી આપી હતી.'
પલ્લવીબેને જણાવ્યું હતું કે 'ગોળીબાર અને હેન્ડ ગ્રેન્ડ બોમ્બ ધડાકાના અવાજો એટલા બધા તેજ થઇ ગયા હતા કે અમે સૌ બારી દરવાજા બંધ કરી પડદા પાડીને ગભરાઇને ભોંયતળીયા પર જમીન સરસા સુઇ ગયા હતા. મને તો મનોમન એમજ લાગ્યું હતું કે હવે તો અમે મરી જ જવાના. મેં તો મારા દિકરાને ટેક્સ્ટ મેસેજ કરી બધી માલમત્તા વગેરે ક્યાં મૂકી છે તે પણ જણાવી દીધું હતું. થોડાક સમય પછી ગોળીબારના અવાજો બંધ થઇ ગયા હતા અને કલાક પછી અમારી સાથે રોકાયેલા હોટેલનો માણસ મેસેજ આવતા જતો રહ્યો હતો. અમે પણ વિચાર્યું હતું કે હવે જીવ બચાવીને ભાગવા સીવાય કોઇ જ ઉકેલ નથી. તેથી અમે પણ પર્સમાં પાસપોર્ટ અને ટિકીટ લઇને લીફ્ટ તરફ દોડ્યા હતા. પરંતુ ત્યાં અમે પ્લેઇન ક્લોથમાં સાત આઠ લોકોને ગન સાથે જોતા અમે સહેજ ગભરાયા હતા પરંતુ તેમણે 'પોલીસ' હોવાનું કહેતા અમારા જીવમાં જીવ આવ્યો હતો. તેમણે અમને લીફ્ટમાં જવા કહ્યું હતું. પરંતુ સિક્યુરીટી જોઇને અમે ફરી ગભરાયા હતા અને લીફ્ટમાં જવાના બદલે શીલાબેનના રૂમમાં ગયા હતા. રીસોર્ટ પર હેલિકોપ્ટર ઉડતા જણાતાં અમને લાગ્યું હતું કે હવે વાંધો નથી તેથી અમે બાલ્કનીમાં જઇને બીચ તરફ જોતાં પોલીસ, મીલીટ્રી અને હોસ્પીટલ સ્ટાફને ઘવાયેલાને લઇ જતા અને લાશોને ભેગી કરીને તેની પર મળ્યા તે ટુવાલો અોઢાડતા જોયા હતા. બીજી તરફ મારા દિકરાએ પણ લંડનમાં હોમઅોફિસને જાણ કરી અમે સુરક્ષિત હોવાનું અને અમને પરત લાવવા વ્યવસ્થા કરાઇ રહી હોવાનું જણાવ્યું હતું. અમે જેના દ્વારા ટીકીટ કરી હતી તે થોમસન કંપનીએ પણ અમને રાતો રાત બ્રિટન મોકલી તમામ રકમનું રીફંડ આપવાની બાંહેધરી આપી હતી. અમે ગેટવીક એરપોર્ટ પર ઉતરતા પોલીસે પણ અમારી સઘનપુછપરછ કરી હતી.'
નૃસંશ હત્યાકાંડથી ફફડી ઉઠેલા પલ્લવીબેન સતત એક જ રટણ કરે છે કે 'મા અંબાએ અમને બચાવી લીધા. અમે બચી ગયા તેને માતાજીનો ચમત્કાર જ છે' અને કહે છે કે 'અમે જો ટાઉનમાં ગયા ન હોત અને ત્યાંથી આવીને રૂમમાં ગયા ન હોત તો આજે અમે અહિં જીવતા ન હોત. હું અંબામાની ચુસ્ત ભક્ત છું અને તેમણે જ અમારો રસ્તો બદલ્યો હતો અને અમને બચાવ્યા હતા. અમે જે બીચ પર બેસીને નવા મિત્રો બનાવ્યા હતા તેેઅો આજે અમારી પાસે નથી. મને આજની તારીખે પણ મેં જે જોયું છે તેનાથી ઘરમાં પણ ડર લાગે છે કે હમણાં કોઇ આવી જશે તો'.
પલ્લવીબેનના પરિવારજનો મૂળ કંપાલા યુગાન્ડાના વતની હતા અને ત્યાં આયર્ન એન્ડ સ્ટીલ વેર લિ.ના નામથી વેપાર કરતા હતા. ઇદી અમીનના માણસો તેમના કાકાને મીકીન્ડી પ્રિઝનમાં લઇ ગયા હતા જે કાકાનો આજ દિન સુધી કોઇ જ પત્તો લાગ્યો નથી.
પલ્લવીબેનને લાગેલા આઘાતના કારણે કાઉન્સેલીંગ આપવામાં આવી રહ્યું છે.


