લંડનઃ બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે અન્ડરગ્રાઉન્ડ ટ્યુબ નેટવર્ક પર મોબાઈલ ફોન્સની ચોરી કરતી સાઉથોલની ગેન્ગનો પર્દાફાશ કર્યા પછી બ્લેકફ્રાયર્સ ક્રાઉન કોર્ટે બે ટ્રાયલના અંતે ટોળકીના ૧૦ સભ્યને કુલ ૩૦ વર્ષની જેલની સજા ફરમાવી છે. આ ટોળકીએ સ્માર્ટફોન્સની ચોરીમાંથી પાંચ મિલિયન પાઉન્ડ ઉભા કર્યા હતા. તેની રોજની આવક ૧૦,૦૦૦ પાઉન્ડ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
લંડન અંડરગ્રાઉન્ડમાં મોબાઈલ ફોન્સની ચોરી વધી ગયા પછી બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે જુલાઈ ૨૦૧૩માં ઓપરેશન પાર્કનો આરંભ કર્યો હતો. પોલીસની તપાસ ચોરાયેલ ફોન્સનું વેચાણ કરતા બિઝનેસ સુધી દોરી ગઈ હતી. આ બિઝનેસ ઓપરેશન એક ઘરમાંથી ચલાવાતું હતું. બપોરના બે વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી કામકાજ ચાલતું હતું અને રોજની ૧૦,૦૦૦ પાઉન્ડની આવક થતી હતી. સપ્ટેમ્બર ૨૦૧૪માં ખાનગી અને વેપારી પ્રોપર્ટીઝ પર દરોડા પડાયા હતા. ૧૩ વ્યક્તિની ધરપકડ ઉપરાંત, દરોડાના સ્થળોએથી ૧૪૩,૦૦૦ પાઉન્ડ રોકડ અને સંખ્યાબંધ ચોરાયેલાં ફોન મળી આવ્યા હતા.
નાવિદ મોશ્ફિક (પાંચ વર્ષ), ઓલિઆ મોશ્ફિક (બે વર્ષ-૧૮ મહિના), અરિજી સિંહ સેઠી (ત્રણ વર્ષ-છ મહિના), પરમજિત સિંહ કાર્લા (ત્રણ વર્ષ), રણજિત બાંગર (ત્રણ વર્ષ), હરમિત ભાટિઆ (ત્રણ વર્ષ), મુબારક કોરાસી (બે વર્ષ-છ મહિના), નિર્મોહનસિંહ (બે વર્ષ), પ્રિતબાલ ભાટિઆ (બે વર્ષ) અને નિર્મોહન ભાટિયા (બે વર્ષ)ની સજા ફરમાવાઈ છે.


