ટ્યૂબ અને બસોમાં ભારે ભીડ ઘાતક બનશે

Wednesday 22nd April 2020 02:16 EDT
 
 

લંડનઃ કોરોના વાઇરસ મહામારીને કારણે લોકડાઉન છતાં ટ્યુબ્સમાં હજુ પણ લોકોના ટોળેટોળાં જોવા મળી રહ્યાં છે. લોકડાઉનનો આ ચોથું અઠવાડિયું છે. ફરજ પર આવતી અને જતી નર્સોએ ધ્યાન દોર્યું છે કે લોકડાઉન છતાં લંડનમાં જાહેર પરિવહનના સાધનો જેવા કે ટ્યુબમાં લોકોની ભીડ હોય છે. જે કોરોના સંકટને વધારે છે. સંક્રમણ ટાળવા જ્યાં સરકાર લોકોને સામાજીક અંતર રાખવા કહે છે ત્યાં ટ્યૂબમાં લોકો અડોઅડ રહીને મુસાફરી કરી રહ્યાં છે. અંડરગ્રાઉન્ડ ટ્યૂબના પ્લેટફોર્મ ઉપર પણ સફાઇનો અભાવ જોવા મળી રહ્યો હોવાની પણ ફરિયાદો થઇ રહી છે. નોંધનીય છે કે બ્રિટનમાં લોકડાઉન 7 મે સુધી લંબાવવામાં આવ્યું છે.

એક એનએચએસ નર્સે દાવો કર્યો હતો કે આવી પરિસ્થિતિમાં ઘરેથી હોસ્પિટલ સુધી આવવું અને જવું અત્યંત જોખમી છે અને કોરોના સંક્રમણનું જોખમ વધી જાય છે.

નર્સ માઇકલ અન્ડરવૂડે લંડનમાં જાહેર પરિવહનમાં ખીચોખીચભરી પરિસ્થિતિ માટે પરિવહન સેવા અને લંડનના મેયર સાદિક ખાનની આલોચન કરી હતી.

આવશ્યક સેવાકર્મીઓને જોખમ વચ્ચે ગંદકીવાળી સીટો અને ખીચોખીચ ભરાયેલી અડરગ્રાઉન્ડ  ટ્યૂબમાં મુસાફરી કરવી પડી રહી હોવાની અનેક રજુઆતો થઇ રહી છે.

લોકડાઉનને કારણે લંડનમાં પણ જાહેર પરિવહન સેવામાં કાપ મુકીને આવશ્યક સેવાકર્મીઓ માટે ટ્યૂબ્સ ચલાવવામાં આવી રહી છે. ટ્યૂબ્સની સંખ્યા હોવાથી દરેક ટ્રેનમાં ભારે ભીડ જોવા મળે છે. પ્લેટફોર્મ ખાતે પણ સંખ્યાબંધ લોકો એકબીજાને અડીને ઉભેલા નજરે પડે છે. ખાસ કરીને નોકરીએ જવાના અને છુટવાના સમયે આ ભીડમાં વધારો જોવા મળે છે.

યુકેમાં લોકડાઉન ચોથા અઠવાડિયામાં પ્રવેશ્યું છે, વડાપ્રધાન બોરિસ જ્હોન્સનની ગેરહાજરીમાં કાર્યભાર સંભાળનાર ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ દ્વારા લોકડાઉન તથા સોશિયલ ડિસ્ટન્સીંગ માપદંડોમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા જો છુટછાટ જાહેર કરવામાં આવશે તો પરિવહન સાધનોમાં મુસાફરોની સંખ્યા વધશે અને કોરોના સંક્રમણનું જોખમ પણ વધશે તેવી ભીતિ ટ્યુબ અને બસ ચાલકોમાં વ્યાપી છે. કેશ હેન્ડલની સ્થિતિ પણ બસચાલકો માટે ઘાતક નિવડી શકે તેમ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter