લંડનઃ ભારત સહિત યુકે અને વિશ્વમાં જ્યાં ભારતીય હિન્દુ વસે છે ત્યાં દિવાળીની ઉજવણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. 12 ઓક્ટોબર 2025ના રવિવારના રોજ લંડનમાં મેયર સાદિક ખાન દ્વારા ટ્રફાલગર સ્ક્વેર ખાતે દિવાળીની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું હતું. લંડનના હાર્દસમા આ વિસ્તારમાં હજારો હિન્દુઓએ એકઠાં થયાં હતાં.
ટ્રફાલગર સ્ક્વેર ખાતે ડાન્સ અને મ્યુઝિકથી સમગ્ર વિસ્તાર વાઇબ્રન્ટ બની ગયો હતો. પરંપરાગત ભારતીય પોશાકમાં સજ્જ 200 નૃત્યકારો દ્વારા ક્લાસિકલ, લોકનૃત્યો અને બોલિવૂડના સંગીતના તાલે નૃત્યો રજૂ કરાયાં હતાં. લંડનમાં વસતા હિન્દુ, શીખ અને જૈન સમુદાયના સભ્યો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરાયાં હતાં.
ઉજવણીનો ઉલ્લેખ કરતાં મેયર સાદિક ખાને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણીમાં ટ્રફાલગર સ્ક્વેર ખાતે સામેલ થયેલા દરેકનો હું આભારી છું. હું લંડનમાં વસતા હિન્દુ, શીખ અને જૈન સમુદાયોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું.
ઉજવણીમાં વિવિધ કાર્યક્રમો ઉપરાંત યોગ અને મેડિટેશનની કાર્યશાળાઓ, પપેટ શો અને બાળકો માટે ક્વીઝ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. તે ઉપરાંત સ્ક્વેર ખાતે ઊભા કરાયેલા ફૂડ સ્ટોલ્સમાં લોકોએ મનભરીને ભારતીય વ્યંજનોનો આસ્વાદ માણ્યો હતો.


