લંડનઃ દિવાળી ઇન લંડન કમિટી દ્વારા 25 ઓક્ટોબર 2026ના રોજ પ્રસિદ્ધ ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે આયોજિત વાર્ષિક દિવાળી ઉજવણીને સુરક્ષાના કારણોસર રદ કરાઇ હતી. હવામાન વિભાગ દ્વારા પ્રચંડ વાવાઝોડા અને ખરાબ હવામાનની આપવામાં આવેલી ચેતવણીને પગલે નિષ્ણાતોની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળી ઇન લંડન કમિટીએ આ અણધાર્યા નિર્ણય અંગે ઊંડા અફસોસની લાગણી વ્યક્ત કરી છે. ખાસ કરીને મહિનાઓથી આ કાર્યક્રમ માટે સખત મહેનત કરી રહેલા યુવા કલાકારો, સ્વયંસેવકો અને ઉત્સવની રાહ જોઈ રહેલા નાગરિકોની નિરાશા પ્રત્યે કમિટીએ સંવેદના દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે આ લોકપ્રિય ઉત્સવનું આયોજન મેયર ઓફ લંડન દ્વારા દિવાળી ઇન લંડન કમિટીના સહયોગથી કરવામાં આવે છે. કમિટીએ ટૂંકી નોટિસ બદલ માફી માગવાની સાથે તમામ સહયોગીઓનો આભાર માની સૌને શાંતિપૂર્ણ અને આનંદમય દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે.

