ટ્રમ્પ 2.0 - સ્ટાર્મરની અગ્નિપરીક્ષા

યુએસ અને યુકે વચ્ચેના સંબંધો વધુ વણસશે? ટ્રમ્પ 2.0નો બ્રિટિશ વેપાર, રાજનીતિ, કૂટનીતિ અને સમાજ પર મોટો પ્રભાવ પડવાની સંભાવના

Tuesday 21st January 2025 13:31 EST
 

લંડનઃ અમેરિકામાં રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પે 47મા પ્રમુખ તરીકે શપથ લેતાની સાથે જ “MAGA” એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ 2.0નો પ્રારંભ થઇ ગયો છે. નવેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પ વિજેતા બન્યા બાદ મોટાભાગનું વિશ્વ અને વિશેષ કરીને બ્રિટન ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદની અસરો અને આંચકાની સમીક્ષા કરી રહ્યું હતું. ટ્રમ્પનો નાટો, મીડલ ઇસ્ટ અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ, વેપાર પરનો પ્રભાવ અને તેની બ્રિટનમાં કોસ્ટ ઓફ લિવિંગ પર પડનારી અસરો તે ઉપરાંત ટ્રમ્પના સહયોગીઓ તરફથી બ્રિટિશ લોકશાહી સામેના પડકારો બ્રિટનની લેબર સરકાર માટે ચેતવણીસમાન તો બની જ રહ્યાં છે. આ પરિસ્થિતિ વડાપ્રધાન કેર સ્ટાર્મર અને લેબર સરકાર માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેશે.

એકતરફ બ્રિટિશ અર્થતંત્ર ખોડંગાઇ રહ્યું છે ત્યારે વેપાર મામલાઓમાં ટ્રમ્પના નિર્ણયો બ્રિટનને ગંભીર અસર કરી શકે છે. ટ્રમ્પે વિશ્વના મોટાભાગના દેશો પર 20 ટકા અને ચીન પર 60 ટકા ટેરિફ લાદવાના સંકેત પહેલેથી આપી દીધાં છે. આવી સ્થિતિમાં અમેરિકા સાથેનો વેપાર બ્રિટન માટે આકરો બની રહેવાનો છે. સ્ટાર્મર સરકારે અર્થતંત્રને વધુ ગર્તામાં ધકેલાતું બચાવવા અમેરિકા સાથે મજબૂત વેપાર સંબંધો બાંધવા જ પડશે. ટ્રમ્પ દ્વારા લેવાનારા પગલાંનો તોડ કેવી રીતે કાઢવો તે વડાપ્રધાન સ્ટાર્મર માટે મોટો પડકાર બની રહેશે. બ્રેક્ઝિટ બાદ બોરિસ જ્હોન્સન અને રિશી સુનાકની સરકારો અમેરિકા સાથે મુક્ત વેપાર કરાર કરવામાં નિષ્ફળ રહી છે. સ્ટાર્મર આ કરાર મુદ્દે ઝડપથી આગળ વધવા માગે છે પરંતુ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના સલાહકારો અને વિશેષ ઇલોન મસ્ક સ્ટાર્મરના માર્ગમાં રોડાં નાખી શકે છે.

ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાયા તે પહેલાં જ લેબર પાર્ટી અને અમેરિકાના રિપબ્લિકનો વચ્ચેના સંબંધ વણસેલાં છે. ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં પણ સ્ટાર્મર અને તેમની ટીમના વરિષ્ઠોને આમંત્રણ અપાયું નહોતું. ટ્રમ્પની ટીમે રિફોર્મ યુકેના નાઇજલ ફરાજ અને પ્રીતિ પટેલ, સુએલા બ્રેવરમેન સહિતના સીનિયર ટોરી નેતાઓને આમંત્રણ જરૂર પાઠવ્યું હતું. રિફોર્મ યુકેના નાઇજલ ફરાજને જે રીતે અછોવાના કરાયાં તે જોતાં લાગે છે કે સર કેર સ્ટાર્મર અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનું અંતર ઘણું વધી ગયું છે. અમેરિકામાં ચૂંટણી સમયે લેબર પાર્ટીના કાર્યકરો દ્વારા કમલા હેરિસની તરફેણમાં પ્રચાર, વિદેશ પ્રધાન ડેવિડ લેમી દ્વારા ટ્રમ્પ માટે કરાયેલી અપમાનજનક ટિપ્પણીઓએ આ અંતર વધારામાં વધુ યોગદાન આપ્યું હતું.

યુરોપમાં રશિયા અને યુક્રેન યુદ્ધ મામલે ટ્રમ્પ અને બ્રિટિશ સરકારનું વલણ ઉત્તર દક્ષિણ જેવું છે. ટ્રમ્પના સહકાર વિના યુક્રેનની પડખે રહેવું સ્ટાર્મર સરકાર માટે મુશ્કેલ બની રહેવાનું છે. આમ પણ ટ્રમ્પ યુરોપના કોઇપણ નેતા કરતાં રશિયન પ્રમુખ પુતિનની વધુ તરફેણમાં રહ્યાં છે. સર સ્ટાર્મર દ્વારા યુએસ ખાતેના બ્રિટિશ રાજદૂત તરીકે પીટર મેન્ડલસનની નિયુક્તિ કરાઇ છે. જેના કારણે ટ્રમ્પ વધુ છંછેડાય તેવી સંભાવના છે. મેન્ડલસન યુરોપિયન સંઘ અને ચીન સાથે મજબૂત સંબંધના હિમાયતી છે. ટ્રમ્પની ટીમ તેમની નિયુક્તિ અટકાવી પણ શકે છે.

આમ ટ્રમ્પ 2.0માં અમેરિકા અને બ્રિટન વચ્ચેના સંબંધોમાં સુંવાળપ જોવા મળવાની સંભાવના નથી. વૈશ્વિક અને દ્વિપક્ષીય નીતિવિષયક મામલાઓમાં બંને દેશના વડાઓ વચ્ચેના વિરોધાભાસી વલણનો ટકરાવ હવે પછી જોવા મળશે. એ જોવું રહ્યું કે ટ્રમ્પના દબાણ સામે સ્ટાર્મર કેવી કૂટનીતિ અપનાવે છે.

ટ્રમ્પના બ્રિટિશ સમર્થકો પણ માની રહ્યાં છે કે યુકે અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં કડવાશ વધશે. રિફોર્મ યુકેના એક્ટિવિસ્ટ અને પોલિટિકલ કોમેન્ટ્રેટર નિકોલસ લિસ્સાક કહે છે કે છેલ્લા 4 વર્ષથી બંને દેશના સંબંધો વણસી રહ્યાં છે. બ્રિટનની રાજનીતિમાં પણ મોટો બદલાવ આવી શકે છે. મોટી સંખ્યામાં બ્રિટિશ મેક બ્રિટન ગ્રેટ અગેઇનનો નારો પણ અપનાવી શકે છે અને તેના કારણે રિફોર્મ યુકેના સમર્થકોમાં વધારો થઇ શકે છે.

રિપબ્લિકન ઓવરસીઝ યુકે ગ્રુપના જેનિફર ઇવિંગ કહે છે કે ટ્રમ્પની સત્તાવાપસીના કારણે યુકે અને અમેરિકા વચ્ચેના વિશેષ સંબંધોમાં બદલાવ આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા ફર્સ્ટ પર રિસર્ચ કરી રહેલા પીએચડીના વિદ્યાર્થી જેમ્સ કોટ્ટિસે જણાવ્યું હતું કે, અમેરિકામાં ટ્રમ્પ સત્તામાં આવવાના કારણે યુકેમાં નાઇજલ ફરાજ વડાપ્રધાન બની શકે છે. યુકે અને અમેરિકા વચ્ચેના સંબંધો પર ફરાજ જ પ્રભાવ પાડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter