લંડન: બ્રિટનના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ચાગોસ ટાપુઓ મોરિશિયસને સોંપવાનો વિવાદાસ્પદ સોદો હાલ પૂરતો સ્થગિત કરી દીધો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ સોદાની આકરી ટીકા અને અમેરિકા તરફથી સત્તાવાર મંજૂરી ન મળવાને કારણે બ્રિટિશ સરકારે આ મોટો નિર્ણય લીધો હોવાનું મનાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ આ સમજૂતીને બ્રિટિશ સરકારની સંપૂર્ણ નબળાઈ ગણાવીને સોદો રદ કરવા અનુરોધ કર્યો હતો.
બ્રિટિશ સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમજૂતીને કાયદાકીય સ્વરૂપ આપવા માટે સંસદમાં સમય ઓછો પડ્યો છે. આ ઉપરાંત આ સોદાને અમલી બનાવવા માટે અમેરિકા તરફથી જરૂરી ફોર્મલ લેટર ઓફ એક્સચેન્ડજ પણ હજુ સુધી પ્રાપ્ત થયો નથી.
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડેનોકે આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, સ્ટાર્મરનું આ શરણાગતિ જેવું પગલું ઇતિહાસની કચરાપેટીમાં જ જવું જોઈએ. રિફોર્મ યુકેના નેતા નાઈજેલ ફરાજે પણ આ નિર્ણયને સારા સમાચાર ગણાવ્યો છે અને ચાગોસિયન લોકોને તેમના વતનમાં પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે.


