ટ્રમ્પની આડોડાઇથી કંટાળેલા બ્રિટનનું ચીન સાથે ઇલુ – ઇલુ

સ્ટાર્મરની ચીન મુલાકાત દરમિયાન વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા સહમતિ, ઇકોનોમી અને ટ્રેડ, એગ્રિકલ્ચર અને ફૂડ, કલ્ચર, માર્કેટ રેગ્યુલેશન, લો એન્ફોર્સમેન્ટ પર 12 કરાર

Tuesday 03rd February 2026 08:57 EST
 
 

લંડનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આડોડાઇનો જવાબ આપતાં બ્રિટને ચીન સાથે હાથ મિલાવી લીધા છે. બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરની ચીન મુલાકાત દરમિયાન બંને દેશે વેપાર, ઇન્વેસ્ટમેન્ટ અને ટેકનોલોજીમાં સહકાર માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ટ્રમ્પની આડોડાઇથી પરેશાન યુરોપના એક પછી એક નેતાઓ ચીન સાથે હાથ મિલાવી રહ્યાં છે. ચીન પહોંચેલા સ્ટાર્મરે જણાવ્યું હતું કે, અમે ચીન સાથે વધુ આધુનિક સંબંધો ઇચ્છીએ છીએ. છેલ્લા આઠ વર્ષમાં પહેલીવાર બ્રિટિશ વડાપ્રધાન ચીનની મુલાકાતે પહોંચ્યા હતા. ચીનના પ્રમુખ શિ જિનપિંગ અને સ્ટાર્મર વચ્ચે ટ્રેડ, સિક્યુરિટી, યુક્રેન યુદ્ધ પર 3 કલાક મંત્રણા ચાલી હતી. બંને નેતાએ સાથે લંચ પણ લીધું હતું.

સ્ટાર્મરની ચીન મુલાકાતે કેટલાંક નક્કર પરિણામ આપ્યાં છે. બંન દેશ લાંબાગાળાની વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા સંમત થયાં છે. ચીન બ્રિટિશ વ્હિસ્કી પરનો ટેરિફ 10 ટકાથી ઘટાડી પાંચ ટકા કરવા અને બ્રિટિશ નાગરિકોને 30 દિવસના રોકાણ માટે વિઝા ફ્રી એન્ટ્રી આપવા સહમત થયો હતો. બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકા ચીનમાં દવા ઉત્પાદન માટે 2030 સુધાં 15 બિલિયન ડોલરનું રોકાણ કરશે.

સ્ટાર્મરની ચીન મુલાકાતની ફલશ્રુતિ

-          લાંબાગાળાની વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા સહમતિ

-          ક્લાઇમેટ અને નેચર પર ઉચ્ચ સ્તરીય ભાગીદારી કરાશે

-          બંને દેશ વચ્ચે ઉચ્ચ સ્તરીય સુરક્ષા વાટાઘાટો શરૂ કરાશે

-          વેપાર મામલે સંયુક્ત સમિતિની રચના, વ્યૂહાત્મક મંત્રણાનો નવો રાઉન્ડ

-          બંને દેશની સંસદીય વ્યવસ્થાઓ વચ્ચે વ્યવહાર શરૂ કરાશે

-          ચાઇના-યુકે ફાઇનાન્સિયલ વર્કિંગ ગ્રુપની સ્થાપના

-          ઇકોનોમી અને ટ્રેડ, એગ્રિકલ્ચર અને ફૂડ, કલ્ચર, માર્કેટ રેગ્યુલેશન, લો એન્ફોર્સમેન્ટ પર બંને સરકારો વચ્ચે 12 કરાર

સ્ટાર્મરની ચીન મુલાકાતથી ટ્રમ્પના પેટમાં તેલ રેડાયું

વડાપ્રધાન સર કેર સ્ટાર્મરની ચીન મુલાકાતથી અમેરિકી પ્રમુખ ટ્રમ્પના પેટમાં તેલ રેડાયું છે. ટ્રમ્પે બ્રિટનને ચીન સાથએ વેપાર કરવા સામે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, વિરોધી સુપરપાવર સાથે હાથ મિલાવવા યુકે માટે ભયજનક સાબિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter