લંડનઃ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી કાર પર 25 ટકા સુધીની ટેરિફ લાદવાની જાહેરાત કરવાના પગલે ચાન્સેલર રાચેલ રીવ્ઝને ટેક્સ વધારના અથવા ખર્ચમાં વધુ કાપ જાહેર કરવાની ફરજ પડે તેવી શક્યતા છે. આમ પણ રીવ્ઝે વધુ ટેક્સ નહિ લદાય તેવી ખાતરી આપવા ઈનકાર કરેલો જ છે. ટ્રમ્પની ટેરિફ લાદવાની ધમકી અમલમાં મૂકાશે તો તેનાથી યુકેની આર્થિક વૃદ્ધિ ધોવાઈ જશે તેવી ચેતવણી વોચડોગ ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR)એ આપી છે.
યુકેની નિકાસો પર 20 ટકા સુધી અમેરિકી ટેરિફ્સની ધમકીને OBR દ્વારા હાઈલાઈટ કરાઈ છે. ટ્રમ્પે ‘લિબરેશન ડે’ ગણાવેલ છે તેવા આગામી બુધવારે અમેરિકી ટેરિફ્સની જાહેરાત થઈ શકે છે. આનાથી 2026 સુધીમાં જીડીપીની વૃદ્ધિમાં 0.6 ટકાનું ધોવાણ થશે અને આર્થિક ફટકો પડશે. જીડીપીમાં 0.6 ટકાનું ધોવાણ થાય તો ચાન્સેલરે વધુ 18 બિલિયન પાઉન્ડની બચત કરવી પડશે અથવા ટેક્સ વધારવા પડશે. જો 0.2ટકાનું ધોવાણ થાય તો પણ અર્થતંત્રને 6.2 બિલિયન પાઉન્ડનો ફટકો પડી શકે છે.
યુકે માટે ઈયુ પછી યુએસ બીજા ક્રમનું સોથી મોટું કાર એક્સપોર્ટ માર્કેટ છે. યુકે દ્વારા 2024માં 7.6 બિલિયન પાઉન્ડથી વધુ મૂલ્યની 101,000 યુનિટથી વધુ કાર યુએસમાં નિકાસ કરાઈ હતી જેમાં, પ્રીમિયમ અને લક્ઝરી કાર્સનો હિસ્સો મુખ્ય હતો. યુએસમાં સૌથી વધુ કાર નિકાસ કરવામાં મેક્સિકો પ્રથમ સ્થાને છે જે પછી સાઉથ કોરિયા, જાપાન, કેનેડા અને જર્મની આવે છે. ટ્રમ્પે કહ્યું છે કે ઓટોમોટિવ ઈમ્પોર્ટ્સ પર 25 ટકા સુધીની ટેરિફ અમલી બનાવાશે. અમેરિકામાં ઉત્પાદન નહિ કરાતી તમામ પ્રકારની કાર માટેની ટેરિફ્સ 2.5 ટકાના પાયાથી શરૂ કરાશે અને 25 ટકા સુધી લઈ જવાશે.