લંડનઃ ચાગોસ આઇલેન્ડ સંધિને મૂર્ખામી ગણાવી વડાપ્રધાન કેર સ્ટાર્મરની ટીકા કરનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ગુલાંટ મારતાં સંધિને સમર્થન જાહેર કર્યું છે. ટ્રમ્પના નિવેદને યુકેમાં રાજકીય તોફાન સર્જી દેતાં વડાપ્રધાન સ્ટાર્મરે આરોપ મૂક્યો હતો કે અમેરિકી પ્રમુખ ગ્રીનલેન્ડ મુદ્દે નાક દબાવવા ચાગોસ સંધિનો ઉપયોગ કરી રહ્યા છે.
હવે ટ્રમ્પે જણાવ્યું છે કે ચાગોસ સંધિ લેબર નેતા દ્વારા કરાયેલી શ્રેષ્ઠ સંધિ છે. ચાગોસ ટાપુઓ મોરિશિયસને સોંપી દેવાની સ્ટાર્મર સરકારની યોજના પર ઘણો વિવાદ સર્જાયો હતો. સ્ટાર્મર સરકારનો દાવો છે કે આ સંધિને પગલે યુકે અને અમેરિકા માટે અત્યંત મહત્વના ડિયેઓ ગાર્શિયા મિલિટરી બેઝનું ભાવિ સુનિશ્ચિત કરી શકાશે.
ગયા વર્ષે અમેરિકાએ ચાગોસ સંધિ મુદ્દે યુકેનું સમર્થન કર્યું હતું. તે સમયે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન સ્ટાર્મર સાથેની વ્હાઇટ હાઉસ ખાતેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, અમેરિકા યુકેની સાથે છે. પરંતુ ગયા મહિને ટ્રમ્પે ચાગોસ સંધિને મહામૂર્ખામી ગણાવતા 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં ભૂકંપ સર્જાયો હતો.
હવે ટ્રમ્પ કહી રહ્યાં છે કે ચાગોસ સંધિ મામલે સર કેર સ્ટાર્મર સાથે ઘણી હકારાત્મક ચર્ચા થઇ છે. હું સમજી શકું છું કે સ્ટાર્મરે કરેલી આ શ્રેષ્ઠ સંધિ છે.


