લંડનઃ પેનોરામા સીરિઝમાં પ્રસારિત દસ્તાવેજી ફિલ્મમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સ્પીચ એડિટ કરવાના મામલે બીબીસીમાં ભૂકંપ સર્જાયો છે. વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ડિરેક્ટર જનરલ ટીમ ડેવી અને ન્યૂઝ સીઇઓ દેબોરાહ ટર્નેસને રાજીનામા આપવાની ફરજ પડી હતી. તો બીજીતરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીબીસીના પત્રકારોને ભ્રષ્ટ ગણાવતા બીબીસી દ્વારા માફી માગવામાં ન આવે તો 1 બિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો માંડવાની ધમકી અપાઇ છે. અમેરિકી પ્રેસિડેન્ટે તેમની પ્રતિષ્ઠાને પહોંચેલા નુકસાન માટે વળતરની પણ માગ કરી છે. ટ્રમ્પ સ્પીચ વિવાદને પગલે બીબીસીની રહી સહી આબરૂ પણ ધૂળધાણી થઇ ગઇ છે અને તેની વિશ્વસનિયતા પર કુઠારાઘાત થયો છે.

