લંડનઃ યુએસમાં પ્રમુખપદના ઉમેદવાર અને બિલિયોનેર ડોનાલ્ડ ટ્રમ્પને બ્રિટનમાં પ્રવેશ નહિ આપવાની પિટિશન પર બ્રિટિશ સાંસદો વેસ્ટ મિન્સ્ટર હોલમાં ચર્ચા હાથ ધરશે. આ ચર્ચા સોમવાર, ૧૮ જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. જોકે, આ ચર્ચા પછી કરાયેલી કોઈ પણ ભલામણ કે નિર્ણય સરકાર માટે બંધનકર્તા ગણાતા નથી.
ટ્રમ્પ પર પ્રતિબંધ માટેની પિટિશનમાં ૫૬૦,૦૦૦ લોકોએ સહી કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે તમામ મુસ્લિમોને અમેરિકામાં પ્રવેશ નહિ આપવાની હાકત કર્યા પછી આ પિટિશન લોન્ચ કરાઈ હતી. ૧૦૦,૦૦૦ અથવા તેથી વધુ સમર્થકો સાથેની ઓનલાઈન પિટિશન આપમેળે પિટિશન કમિશન દ્વારા ચર્ચા કરાવાને પાત્ર ગણાય છે. આના પરિણામે સરકારી પ્રધાને જાહેર ઉત્તર આપવો પડે છે. વડા પ્રધાન કેમરન અને ચાન્સેલર ઓસ્બોર્ને મુસ્લિમો પર યુએસમાં પ્રતિબંધ અંગે ટ્રમ્પના નિવેદનને વખોડ્યું હોવા છતાં તેઓ યુકેમાં ટ્રમ્પને પ્રતિબંધિત કરવા ઈચ્છતા નથી.


