લંડનઃ લંડનના મેયર સાદિક ખાન અમેરિકી પ્રમુખ ટ્રમ્પની નીતિઓના આકરા ટીકાકાર રહ્યાં છે. તેમની ટીકાઓની અસર ટ્રમ્પની યુકે મુલાકાત પર સ્પષ્ટ જોવા મળી હતી. લંડનની મુલાકાત દરમિયાન સાદિક ખાન સાથે મુલાકાતની વાત તો દૂર રહી ટ્રમ્પે તેમના માનમાં કિંગ ચાર્લ્સ દ્વારા આયોજિત ભોજન સમારોહમાં સાદિક ખાનને એન્ટ્રી ન મળે તે માટે તમામ પ્રયાસ કર્યા હતા.
લંડનના મેયરની ટીકા કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, મેં મારા અધિકારીઓને સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો કે સ્ટેટ બેન્ક્વેટમાં સાદિક ખાનની હાજરી ન હોય. હું સાદિક ખાનની હાજરી ઇચ્છતો નથી.
ટ્રમ્પે સાદિક ખાનને વિશ્વના સૌથી બદતર મેયરો પૈકીના એક પણ ગણાવી દીધા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે સાદિક ખાનની કામગીરી અત્યંત બદતર છે. લંડનમાં કાયદો અને વ્યવસ્થા તળિયે બેઠી છે. લંડનમાં અપરાધો ચરમસીમા પર છે. સાદિક ખાન અને શિકાગોના મેયર એકસરખા છે. ઇમિગ્રેશનના મામલે સાદિક ખાનની કામગીરી ભયાનક છે.. હું તેમને ઘણા લાંબા સમયથી પસંદ કરતો નથી.


