લંડનઃ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા 10 બિલિયન ડોલરના બદનક્ષીના દાવાને રદ કરવા બીબીસીએ અદાલતને અપીલ કરી છે. બીબીસીએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે કથિત પેનોરામા એપિસોડ અમેરિકામાં પ્રસારિત જ કરાયો નથી. બીબીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પેનોરામાનો કથિત એપિસોડ આઇપ્લેયર, ઓનલાઇન અથવા તો અન્ય કોઇપણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર અમેરિકામાં ઉપલબ્ધ નહોતો. તેથી અમે ફ્લોરિડા કોર્ટના જ્યુરિડિક્શનને પડકાર આપ્યો છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીબીસી પર તેમના ભાષણોનું બદનક્ષી થાય તેવી રીતે એડિટિંગ કરીને પ્રસારિત કરવાનો આરોપ મૂકી 10 બિલિયન ડોલરનો માનહાનિનો દાવો ઠોક્યો છે. ફ્લોરિડાની અદાલતમાં દાખલ કરાયેલા દાવામાં આરોપ મૂકાયો છે કે બીબીસીએ ઇરાદાપુર્વક, બદઇરાદા સાથે ટ્રમ્પના ભાષણો સાથે ચેડાં કર્યાં હતાં.
આ પહેલાં બીબીસીએ પેનોરામા એપિસોડ માટે ટ્રમ્પની જાહેર માફી માગી હતી પરંતુ વળતર અંગેની અમેરિકી પ્રમુખની માગ નકારી કાઢી હતી.

