લંડનઃ વોશિંગ્ટનમાં ઓવલ ઓફિસ ખાતે વડાપ્રધાન સર કેર સ્ટાર્મરની અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત, બ્રિટનના રાજવી પરિવાર દ્વારા ટ્રમ્પને આમંત્રણ અને બ્રિટન-અમેરિકા વચ્ચેના વિશેષ સંબંધો છતાં બ્રિટન ટ્રમ્પના ટેરિફથી અછૂતો રહી શક્યો નથી. ટ્રમ્પે 2 એપ્રિલના રોજ બ્રિટનથી થતી આયાતો પર 10 ટકાનો બેઝિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. અમેરિકા બ્રિટન સાથેના વેપારમાં સરપ્લસ હોવા છતાં આ ટેરિફ લાદવામાં આવ્યો છે.
બ્રિટનની લેબર સરકાર અમેરિકા સાથે કોઇક પ્રકારની વેપાર સંધિની આશા સેવી રહી છે જેથી બ્રિટિશ નિકાસકારોને ટેરિફની લાંબાગાળાની અસરોથી બચાવી શકાય.વડાપ્રધાન સ્ટાર્મર બિઝનેસ એક્ઝિક્યુટિવોને આશ્વાસન આપી રહ્યાં છે કે બ્રિટન ટ્રમ્પના ટેરિફનો જવાબ ઠંડા દિમાગથી આપશે. હવે મહત્વનો સવાલ એ છે કે સ્ટાર્મર અમેરિકા પર વળતા ટેરિફ નહીં લાદવાની નીતિને વળગી રહેશે કે કેનેડા અને ચીનની જેમ અમેરિકી આયાતો પર પણ ટેરફ લાદશે.
વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું છે કે અમેરિકા દ્વારા સમગ્ર વિશ્વ પર લદાયેલા ટેરિફે નિયમોને બદલે સોદાબાજીથી સંચાલિત નવા વિશ્વને જન્મ આપ્યો છે. જૂનુ વિશ્વ ચાલ્યુ ગયું છે. જૂની ધારણાઓના આધારે હવે કામ કરી શકાશે નહીં. ટ્રેડ વોરથી કોઇ જીતી શક્યું નથી. ટ્રમ્પની વેપાર આક્રમકતાને કારણે મોટી આર્થિક સમસ્યાઓ સર્જાશે. બ્રિટન માટે તમામ વિકલ્પ ખુલ્લાં છે.
યુકેના કયા ઉદ્યોગો પર કેવી અસર પડશે
1 કાર મેકર્સ અને ઓટો મેન્યુફેક્ચરિંગ
યુકેથી અમેરિકામાં નિકાસ થતી ટોચની પ્રોડક્ટ્સમાં કારનો સમાવેશ થાય છે. અમેરિકા દ્વારા કાર અને સંબંધિત પ્રોડક્ટ્સ પર 25 ટકાનો ટેરિફ લદાયો છે.
2 રિટેલ સેક્ટર
યુકેના રિટેલર્સ જેડી સ્પોર્ટ્સ, ડો. માર્ટિન્સ, એએસઓએસ અને ડબલ્યુએચ સ્મિથ સહિતની કંપનીઓ અમેરિકામાં નોંધપાત્ર નિકાસ કરે છે. 10 ટકાના ટેરિફના કારણે તાત્કાલિક કિંમતોમાં વધારાની સંભાવના નથી પરંતુ કંપનીઓએ આ મામલે ઝડપથી નિર્ણયો કરવા પડશે.
3 સ્ટીલ અને એલ્યુમિનિયમ
ઓટો સેક્ટર કરતાં અમેરિકામાં યુકેની સ્ટીલ અને એલ્યુમિનિયમ નિકાસ પ્રમાણમાં ઓછી છે તેમ છતાં અમેરિકા યુકે માટે બીજા ક્રમનું સૌથી મોટું બજાર છે. 25 ટકાનો ટેરિફ ઇન્ડસ્ટ્રી માટે કુઠારાઘાત પૂરવાર થઇ શકે છે.
4 સ્પિરિટ અને આલ્કોહોલ
યુકેના મહત્વના નિકાસ સેક્ટરમાં સ્પિરિટ અને આલ્કોહોલનો સમાવેશ થાય છે. સ્કોટલેન્ડની સ્કોચ વ્હિસ્કીની સમગ્ર વિશ્વમાં માગ રહે છે. ઇન્ડસ્ટ્રીનું માનવું છે કે 10 ટકાનો ટેરિફ વ્હિસ્કી અને જિનના માર્કેટને નુકસાન કરશે.
ટાટા ગ્રુપની જેગુઆર લેન્ડ રોવરે અમેરિકા ખાતેની નિકાસ સ્થગિત કરી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓટો સેક્ટરની આયાતો પર 25 ટકા ટેરિફની જાહેરાત કર્યા બાદ ટાટા ગ્રુપની જેગુઆર લેન્ડ રોવરે બ્રિટનમાં ઉત્પાદિત પોતાની કાર અમેરિકા ખાતે નિકાસ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
બ્રિટનની સૌથી કાર નિર્માતા કંપનીએ આ નિર્ણયનો અમલ આ સપ્તાહથી જ કર્યો છે. કંપનીએ ટ્રમ્પના ટેરિફથી બચવા આ નિર્ણય લેવાયો હોય તેવી સંભાવના છે. બ્રિટનમાં જેગુઆર લેન્ડ રોવર 38000 કર્મચારીને રોજગાર આપે છે.
કંપનીએ જણાવ્યું છે કે જેગુઆર પાસે અમેરિકામાં પહેલેથી બે મહિના ચાલે તેટલો સ્ટોક છે. તેના પર નવા ટેરિફ લાગુ થતા નથી. તેથી કંપનીએ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. એટલાન્ટિકથી અમેરિકામાં વાહનોની નિકાસમાં 21 દિવસનો સમય લાગે છે. હાલમાં નિકાસ નહીં કરવાનો નિર્ણય કંપનીની નવી વ્યૂહરચનાના સંકેત આપે છે.
કંપનીએ અપીલ કરતા જણાવ્યું હતું કે અમારો બિઝનેસ કોઇ એક દેશ પર આધારિત નથી. અમારી પ્રાથમિકતા વિશ્વભરમાં વાહનો નિકાસ કરવાની છે.