ટ્રસ અને જ્હોન્સનની પાર્ટીઓમાં ડ્રગ્સનો ઉપયોગ થયાના અહેવાલોથી ખળભળાટ

ટ્રસની પાર્ટીઓ બાદ ડ્રગના ટ્રેસિસ મળી આવ્યાનો અખબારી અહેવાલમાં દાવો

Wednesday 21st December 2022 05:48 EST
 
 

લંડન

પૂર્વ વડાપ્રધાન લિઝ ટ્રસ અને તેમના રાજકીય સાથીદારોએ સરકારી ગ્રેસ એન્ડ ફેવર હોમમાં યોજેલી પાર્ટીઓ બાદ ત્યાંથી શંકાસ્પદ ક્લાસ એ ડ્રગ મળી આવ્યાના અહેવાલોએ ખળભળાટ મચાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લિઝ ટ્રસ ટોરી લીડરશિપની રેસમાં વિજેતા થઇને વડાંપ્રધાન બન્યાં તેના થઓડા દિવસો પહેલાં આ સ્થળેથી વ્હાઇટ પાવડર મળી આવ્યો હતો. સ્ટાફના એક મેમ્બરનો દાવો છે કે તપાસમાં જણાયું હતું કે ત્યાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો. બ્રિટનમાં કોકેન રાખવું અપરાધ છે અને તેના માટે 7 વર્ષની કેદ અને દંડની જોગવાઇ છે.

કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર બોરિસ જ્હોન્સન વડાપ્રધાન હતા ત્યારે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં લોકડાઉન દરમિયાન બે પાર્ટી યોજાઇ હતી. ત્યારે પણ 10 ડાઉનિંગ સ્ટ્રીટની ઓફિસમાંથી આજ પ્રકારનો પાવડર મળી આવ્યો હતો.

ચેવેનિંગ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને લિઝ ટ્રસે યોજેલી પાર્ટીઓ બાદ ગેમ્સ રૂમમાંથી બે વાર આ પ્રકારનો પાવડર મળી આવ્યો હતો. 19-21 ઓગસ્ટ અને 2-4 સપ્ટેમ્બરના વીકએન્ડમાં તત્કાલિન ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ દ્વારા આ સ્થળે પાર્ટીઓનું આયોજન કરાયું હતું. એક આંતરિક સૂત્રના જણાવ્યા અનુસાર વ્હાઇટ હોલ અને પાર્લામેન્ટરી એસ્ટેટમાં કોકેનનો ધડલ્લે ઉપયોગ થાય છે. લિઝ ટ્રસના રાજકીય સાથીદારો દ્વારા કોકેનનો ઉપયોગ કરાય છે.

લિઝ ટ્રસ કે બોરિસ જ્હોન્સન ડ્રગ્સનો નશો કરે છે અને પાર્ટીઓમાં ડ્રગનો ઉપયોગ થાય છે કે કેમ તેની જાણ તેમને હોવાના કોઇ પૂરાવા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter