ટ્રસે 10 વર્ષમાં હાંસલ કરેલી સિદ્ધીઓ પર પાણી ફેરવી દીધું – ટોરી સાંસદો

ટ્રસ પાસે રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા કોઇ યોજના નથી – ટોરીઝ

Wednesday 19th October 2022 04:18 EDT
 

લંડન

દેશની આર્થિક નીતિઓના મામલે વડાંપ્રધાન લિઝ ટ્રસ માટે ચઢાણ કપરાં બની રહ્યાં છે. અર્થતંત્રમાં સર્જાયેલી અંધાધંધીના મામલે તેમને પોતાની જ પાર્ટીના સાંસદોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સાંસદો હવે લિઝ ટ્રસ પર ટોરી પાર્ટીએ છેલ્લા 10 વર્ષમાં મેળવેલી સિદ્ધીઓ પર પાણી ફેરવી રહ્યાં હોવાના આરોપો મૂકાઇ રહ્યાં છે.

ટોરી સાંસદ રોબર્ટ હાલ્ફોને જણાવ્યું હતું કે, ટોરી પાર્ટીએ છેલ્લા 10 વર્ષમાં હાંસલ કરેલી સિદ્ધીઓને લિઝ ટ્રસે ધોઇ નાખી છે. સાંસદ મેલ સ્ટ્રાઇડે જણાવ્યું હતું કે, લિઝ ટ્રસ સરકારી સહાયમાં કોઇ કાપ નહીં  મૂકવાના વચનો આપી રહ્યાં છે પરંતુ રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થાય તેવી કોઇ યોજના તેમની પાસે છે ખરી...

લિઝ ટ્રસ કહી રહ્યાં છે કે અમે સરકારી ખર્ચમાં કાપ મૂકવાની કોઇ યોજના બનાવી રહ્યાં નથી. સરકાર સુનિયોજિત રીતે ખર્ચ કરીને દેવામાં ઘટાડો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેની સામે સીનિયર ટોરી સાંસદો કહી રહ્યાં છે કે સરકારે કરવેરામાં કાપની યોજનાઓ પર પુનઃવિચાર કરવો જોઇએ જેથી બજારોને સ્થિર કરી શકાય. લિઝ ટ્રસ કોઇ માર્ગ શોધી કાઢે. અમને તો અત્યારે કોઇ વિકલ્પ દેખાતો નથી.

સરકારી વિભાગોના ખર્ચમાં 15 ટકા કાપની નોબત

ઇન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝે જણાવ્યું છે કે દેશના અર્થતંત્રની ગાડીને પાટા પર લાવવા માટે લિઝ સરકારે સરકારી વિભાગોના ખર્ચમાં 15 ટકા કાપ મૂકવાની ફરજ પડશે. ચાન્સેલરના મિની બજેટમાં અપાયેલી કરરાહતોના કારણે સરકારી તિજોરી પર પડનારા 62 બિલિયન પાઉન્ડના બોજાને ઘટાડવા માટે સરકારી વિભાગોના ખર્ચમાં કાપ અનિવાર્ય બની ગયો છે. જોકે લિઝ ટ્રસ સરકારી યોજનાઓના ખર્ચમાં કાપ મૂકાવાની સંભાવનાઓને નકારી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter