લંડન
14મી ઓક્ટોબરે ચાલેલા હાઇવોલ્ટેજ પોલિટિકલ ડ્રામામાં વડાંપ્રધાન લિઝ ટ્રસે પોતાના ચાન્સેલર ક્વાસી ક્વારતેંગને બરખાસ્ત કરી દીધાં હતાં. મિની બજેટના કારણે મચેલી આર્થિક અફરાતફરીના દોષનો ટોપલો ટ્રસે ક્વારતેંગ પર નાખીને ફક્ત 38 દિવસમાં રૂખસદ કરી દીધાં હતાં. ક્વાસી ક્વારતેંગ અમેરિકાના પ્રવાસે હતા ત્યારે તેમને તાત્કાલિક પરત બોલાવી રાજીનામુ લખાવી લેવાયું હતું. લિઝ ટ્રસે ક્વાસી ક્વારતેંગના સ્થાને રિશી સુનાકના સમર્થક મનાતા જેરેમી હન્ટને ચાન્સેલરપદે નિયુક્ત કર્યાં છે. ટ્રેઝરીના ચીફ સેક્રેટરી ક્રિસ ફિલિપને હટાવીને તેમના સ્થાને કેબિનેટ ઓફિસ મિનિસ્ટર એડવર્ડ આર્ગરને નિયુક્ત કરાયાં છે.
ટ્રસને મોકલી આપેલા રાજીનામામાં ક્વારતેંગે જણાવ્યું હતું કે, તમારું મિશન સાચું છે અને મને તમારી સરકારના પ્રથમ ચાન્સેલર બનવાનું ગૌરવ છે. હું તમને અને મારા અનુગામીને મારું સમર્થન આપતો રહીશ. બીજીતરફ ક્વાસી ક્વારતેંગ તેમના નિકટના સહયોગીઓને એમ કહેતા માલૂમ પડ્યાં હતાં કે ટોરી પાર્ટીમાં પોતાની વિરુદ્ધ વધી રહેલા અસંતોષને ઠારવા માટે લિઝ ટ્રસે મારી હકાલપટ્ટી કરી છે. આમ કરીને તેમણે પોતાના માટે થોડા સપ્તાહનો સમય પ્રાપ્ત કરી લીધો છે.
મિની બજેટમાં ટ્રસ સરકારે આંધળૂકિયાં કરી બે ગંભીર ભૂલ આચરી – જેરેમી હન્ટ
બીબીસીને આપેલી મુલાકાતમાં નવા ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, સરકારે મિની બજેટમાં બે ગંભીર ભૂલ કરી હતી. પહેલી ભૂલ આવકવેરાના 45 ટકાના સ્લેબને ઘટાડીને 40 ટકા કરવો અને બીજી ભૂલ કોર્પોરેશન ટેક્સમાં પ્રસ્તાવિત વધારાનો નિર્ણય મુલતવી રાખવો. હન્ટે જણાવ્યું હતું કે, મિની બજેટમાં લિઝ સરકારે આંધળૂકિયા કર્યાં હતાં. મિની બજેટ રજૂ કરતાં પહેલા ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી પાસેથી કોઇ આગોતરાં આશ્વાસનો મેળવવામાં આવ્યાં નહોતાં.


