લંડનઃ ગુજરાતમાં આયોજિત હાયર એજ્યુકેશન કોન્ફરન્સ ખાતે ભારત અને યુકેના સત્તાવાળાઓ વચ્ચે ગુજરાતની ઉચ્ચ શિક્ષણ પ્રણાલિની ક્ષમતા વધારવા માટે ચર્ચા યોજાઇ હતી. ગુજરાત સરકારના માહિતી વિભાગે જણાવ્યું હતું કે, યુકેથી આવેલા પ્રતિનિધિમંડળે ગુજરાતના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. કોન્ફરન્સમાં ભારતની નવી શિક્ષણ નીતિ અને શિક્ષણ ક્ષેત્રે થઇ રહેલા સંશોધનો પર ચર્ચા કરાઇ હતી.
યુકે દ્વારા ભારતમાં 18થી 22 સપ્ટેમ્બર વચ્ચે ઉચ્ચ સ્તરના હાયર એજ્યુકેશન પ્રતિનિધિમંડળને મોકલાયું હતું. આ પ્રતિનિધિમંડળે અમદાવાદની મુલાકાત લઇ ગુજરાત સરકાર દ્વારા આયોજિત કોન્ફરન્સમાં ટ્રાન્સનેશનલ એજ્યુકેશન પાર્ટનરશિપ પર ચર્ચા કરી હતી.
મંત્રી રૂષિકેશ પટેલે ગુજરાતમાં સંશોધન અને ઈનોવેશનની તકો, SSIP અને સ્ટાર્ટ-અપ્સના સંદર્ભમાં ગુજરાતમાં થઈ રહેલા કામની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં વિવિધ વિષયો પર થયેલી ચર્ચા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નવા આયામો હાંસલ કરવામાં મદદ કરશે અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા સુધારાઓ માટેનો રોડમેપ તૈયાર કરવામાં પણ મદદ કરશે. રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીના ક્ષમતા નિર્માણમાં ભારત-યુકે સંબંધો મહત્વપૂર્ણ બની રહેશે.


