લંડનઃ યુકેમાં પહેલીવાર કોઇ મહિલાએ શરીરમાં પ્રત્યાર્પિત કરાયેલા ગર્ભાશયની મદદથી દીકરીને જન્મ આપ્યો છે. 36 વર્ષીય ગ્રેસ ડેવિડસન જન્મજાત અંગની ખામી સાથે જન્મ્યા હતા અને 2023માં તેમની બહેને તેમને ગર્ભાશયનું દાન આપ્યું હતું. ગ્રેસના કેસને યુકેનું એકમાત્ર સફળ વોમ્બ ટ્રાન્સપ્લાન્ટ ગણવામાં આવે છે.
ગર્ભાશયના પ્રત્યારોપણના બે વર્ષ બાદ ગ્રેસે ફેબ્રુઆરીમાં પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. ગ્રેસ અને તેમના પતિ એન્ગસે ગર્ભાશયનું દાન આપનારી બહેન એમીના નામ પરથી બાળકીનું નામ એમી રાખ્યું છે. મૂળ સ્કોટલેન્ડના વતની અને હાલ નોર્થ લંડનમાં વસવાટ કરતા એન્ગસ અને ગ્રેસ આજ ગર્ભાશયની મદદથી બીજા બાળકની પણ તૈયારી કરી રહ્યાં છે.
ગ્રેસની સર્જિકલ ટીમે જણાવ્યું હતું કે, અમે આ પ્રકારના બીજા 3 વોમ્બ ટ્રાન્સપ્લાન્ટ કર્યાં છે. અમે આ ક્લિનિકલ ટ્રાયલમાં કુલ 15 ટ્રાન્સપ્લાન્ટ કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ.