લંડનઃ એરલાઇન્સ, હોટેલ અને ઓનલાઇન બુકિંગ સાઇટ્સ દ્વારા વસૂલવામાં આવતા હિડન ચાર્જિસ પર લગામ કસવાની યોજના અંતર્ગત લગેજ માટે રિપ ઓફ ફી અને અન્ય વધારાના ચાર્જ વસૂલવા પર પ્રતિબંધ મૂકાય તેવી સંભાવના છે. બુકિંગ સાઇટ્સ અને અન્ય ઓનલાઇન સેલ્સ કંપનીઓ દ્વારા વસૂલાતા હિડન ચાર્જિસ અંગે વડાપ્રધાન રિશી સુનાક ચિંતિત છે. તેમના દ્વારા તેમની સેવાઓની સાચી કિંમત છૂપાવવામાં આવી રહી છે તેથી વડાપ્રધાને આ મામલાની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે.
વડાપ્રધાન રિશી સુનાક બુકિંગ અને ટ્રાવેલ સાઇટ્સ પર કિંમતોમાં વધુ પારદર્શકતા જોવા ઇચ્છે છે. તેઓ ગ્રાહકો માટે ઓનલાઇન બુકિંગ અને શોપિંગ વધુ સરળ બની રહે તે માટે નિયંત્રણો લાદવા પર વિચારણા કરી રહ્યાં છે.
અમેરિકાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, મને લાગે છે કે આપણે બધા ઓનલાઇન ટ્રાવેલ બુકિંગ સાઇટ્સ દ્વારા કરાતી પ્રવૃત્તિઓથી વાકેફ છીએ. તમે જેમ જેમ પ્રોસેસમાં આગળ વધો છો તેમ તમારા પર વધારાના ખર્ચ થોપી દેવામાં આવે છે. તેમાં કિંમતોમાં પારદર્શકતા હોતી નથી. અમે આ મામલે ઘણા ચિંતિત છીએ.
તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના હિડન ચાર્જિસ માટે વધુ નિયંત્રણો અને નિયમો પર ભલામણો કરવા માટે ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડને સૂચના અપાઇ છે. આ પ્રકારની પ્રેકટિસ કેટલી નુકસાનકારક છે અને તેના માટે કોઇ પગલાં લેવાની જરૂર છે કે કેમ તેની અમે સમીક્ષા કરી રહ્યાં છીએ.


