લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયે શનિવારે તેમના સત્તાવાર જન્મદિવસની ટ્રુપિંગ ધ કલર પરેડ સાથે ઉજવણી કરી હતી. જેમાં અમદાવાદ ખાતે એર ઇન્ડિયા પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. કિંગ ચાર્લ્સે પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા 241 પ્રવાસી અને ક્રુ મેમ્બરને શ્રદ્ધાંજલિ આપવા એક મિનિટ મૌન પાળવાની અપીલ કરી હતી. આ પ્રસંગે ક્વીન કેમિલા, પ્રિન્સેસ એન, પ્રિન્સ વિલિયમ, પ્રિન્સેસ કેટ મિડલટન, ડચેસ ઓફ એડિનબરો, પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ શાર્લોટ અને પ્રિન્સ લૂઇસ સહિતના રાજવી પરિવારના સભ્યો હાજર રહ્યાં હતાં.
બકિંગહામ પેલેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કિંગ ચાર્લ્સે ટ્રુપિંગ ધ કલર પ્રોગ્રામમાં કેટલાક સુધારા કરાવ્યા હતા જેથી પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા પ્રવાસીઓ અને તેમના પીડિત પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી શકાય.
આ પહેલાં 2017માં ગ્રેનફેલ ટાવર કરૂણાંતિકા બાદ ટ્રુપિંગ ધ કલર પરેડ કેટલાંક દિવસ માટે મોકુફ રખાઇ હતી અને તત્કાલિન ક્વીન એલિઝાબેથ દ્વિતીયે 1 મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
હું અને કેમિલા હૃદયદ્રાવક ઘટનાથી ઘણા વ્યથિતઃ કિંગ ચાર્લ્સ
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં કિંગ ચાર્લ્સને ઊંડો આઘાત લાગ્યો હતો. કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે, હું ઊંડા આઘાતમાં સરી પડ્યો છું. અમદાવાદમાં બનેલી ઘટનાથી હું અને મારી પત્ની ઘણા વ્યથિત છીએ. પીડિત પરિવારો અને મિત્રો સાથે અમારી વિશેષ પ્રાર્થના સંવેદનાઓ છે. હું ઇમર્જન્સી સેવાઓ દ્વારા કરાયેલી સેવાઓને બિરદાવું છું. આ અત્યંત હૃદયદ્રાવક ઘટનામાં મદદ અને સહાય કરી રહેલા લોકોનો આભારી છું.