ટ્રેડ એન્વોય લોર્ડ ડોલર પોપટે CHOGMની સફળતાને બિરદાવી

Wednesday 29th June 2022 02:52 EDT
 
 

લંડન, કિગાલીઃ રવાન્ડા, યુગાન્ડા અને DRC માટે યુકેના ટ્રેડ એન્વોય લોર્ડ ડોલર પોપટે CHOGMની સફળતાને બિરદાવી હતી. CHOGM કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ્સ તેમજ મિનિસ્ટર્સ અને બિઝનેસ અગ્રણીઓને નિકટ લાવે છે. કિગાલીમાં આ બેઠકની યજમાન રવાન્ડા સરકાર હતી જેનાથી સમગ્ર વિશ્વને એ દર્શાવવાની તક પ્રાપ્ત થઈ હતી કે તેઓમાં કેટલું પરિવર્તન આવેલું છે તેમજ આ સ્થળ મુલાકાત લેવા અને રોકાણ કરવા માટે કેટલું આકર્ષક છે.

રવાન્ડાના હિમાયતી હોવાથી લોર્ડ પોપટે રવાન્ડા આ બેઠકની યજમાની મેળવે તે માટે ભારે પ્રયાસો કર્યા હતા. રવાન્ડામાં CHOGMની બેઠક યોજાવાથી યુકેને પણ કોમનવેલ્થ અને યુકે વચ્ચે વેપાર અને સહકારને વધારવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો ઝોક દર્શાવવામાં પણ મદદ મળી હતી. પૂર્વ બ્રિટિશ સંસ્થાન નહિ રહેલા દેશ તરીકે રવાન્ડા કોમનવેલ્થનો હિસ્સો હોવાની બાબત અનોખી છે પરંતુ, તેઓ આ સમૂહમાં જોડાયા છે તે દર્શાવે છે કે સહભાગી ઈતિહાસ અને મૂલ્યોના આધારે સાથે મળીને કામ કરવા ઈચ્છતા તમામને કોમનવેલ્થ આવકારે છે.

CHOGM ખાતે મહત્ત્વની ઘટનાઓમાં નવા બે દેશ ગાબોન અને ટોગોને કોમનવેલ્થ સમૂહમાં આવકારનો સમાવેશ થાય છે. કોમનવેલ્થના નેતાઓએ લિવિંગ લેન્ડ્સ ચાર્ટરને અપનાવ્યો હતો જેમાં, તમામ સભ્ય રાષ્ટ્રો ક્લાઈમેટ ચેઈન્જ વિશે કો-ઓર્ડિનેટેડ કાર્યવાહી કરવાની સાથોસાથ વૈશ્વિક ભૂમિસ્રોતોને સુરક્ષિત રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કોમનવેલ્થ ઓશન સ્ટેટ્સને દરિયાઈ પર્યાવરણને સુરક્ષા આપતા પ્રોજેક્ટ્સને સપોર્ટ કરવા નેતાગણે કોમનવેલ્ત બ્લુ ચાર્ટર પ્રોજેક્ટ ઈનક્યુબેટરનું લોન્ચિંગ કર્યું હતું.

લોર્ડ ડોલર પોપટે રવાન્ડા, યુગાન્ડા અને DRC માટે યુકેના ટ્રેડ એન્વોય તરીકે હર મેજેસ્ટીની સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમજ યુકેની કંપની ગ્રિડવર્ક્સ અને યુગાન્ડા સરકાર વચ્ચે 73 મિલિયન પાઉન્ડ સુધીના મૂલ્યના સહકાર કરાર સહિત નોંધપાત્ર સોદાઓને આકાર આપવામાં મદદ કરી હતી. આ સોદાથી યુગાન્ડા રિન્યુએબલ સ્રોતોમાંથી જે એનર્જી ઉત્પન્ન કરે છે તેની ટકાવારી વધારવામાં મદદ મળશે.

આ બેઠકમાં પ્રિન્સ ચાર્લ્સની ઉપસ્થિતિ વિશેષ મહત્ત્વની રહી હતી જેઓ કોમનવેલ્થના વડા ક્વીનનું પ્રતિનિધત્વ કરી રહ્યા હતા. લોર્ડ પોપટને રવાન્ડા અને યુગાન્ડા સરકારોના ચાવીરૂપ વ્યક્તિત્વોની સાથે પ્રિન્સ ચાર્લ્સને મળવાની તક સાંપડી હતી. CHOGMની સફળતાની ચર્ચા કરતા લોર્ડ પોપટે ટીપ્પણીમાં જણાવ્યું હતું કે,‘CHOGMને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે અને હું રવાન્ડા, યુગાન્ડા અને DRC માટે યુકેના ટ્રેડ એન્વોય તરીકે હર મેજેસ્ટીની સરકારનું પ્રતિનિધિત્વ કરી શક્યો તેનો મને આનંદ છે. રવાન્ડાએ CHOGMની યજમાની કરવાની કામગીરી સુંદર રીતે બજાવી હતી અને દરેકને આવકાર મળ્યાની લાગણી અનુભવાય તેની ચોકસાઈ રાખી હતી. તેઓ બેઠકની યજમાની કરી શકે તે માટેની ભૂમિકા ભજવ્યાનો મને આનંદ છે તેમજ આપણા વેપારસંબંધો વધુ મજબૂત બનાવવા રવાન્ડા સરકાર સાથે કાર્ય આગળ વધારવા હું ઉત્સુક છું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter