લંડનઃ અમેરિકાની ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાની યોજનાનો વિરોધ કરનારા યુરોપના દેશો પર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ફેબ્રુઆરીથી 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત શનિવારે કરી હતી. જેના પગલે યુકે સહિત ફ્રાન્સ અને યુરોપિયન યુનિયનના અન્ય દેશો પર અમેરિકી ટેરિફ અમલી બનશે. ટ્રમ્પે એવી પણ ધમકી ઉચ્ચારી હતી કે જો 1 જૂન સુધીમાં યુરોપના દેશો અમેરિકાની યોજનાનો સ્વીકાર નહીં કરે તો ટેરિફ વધારીને 25 ટકા કરાશે.
ટ્રમ્પ દ્વારા યુકે પર લાગુ કરાયેલ 10 ટકાનો ટેરિફ અર્થતંત્રને મોટું નુકસાન કરે તેવી સંભાવના છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે બ્રિટનનું અર્થતંત્ર મંદીમાં ધકેલાઇ શકે છે. યુકેમાંથી કાર, મેડિસિન, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો અને મશીનરીની અમેરિકામાં નિકાસ થાય છે. યુકે અમેરિકામાં સાયન્ટિફિક ઇક્વિપમેન્ટ, નોન ફેરસ મેટલ્સ અને ઓર્ગેનિક કેમિકલ્સની પણ નિકાસ કરે છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર અમેરિકાએ છેલ્લા એક વર્ષમાં યુકે પાસેથી 27.8 બિલિયન પાઉન્ડની મશીનરી અને ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટ્સ, 16.7 બિલિયન પાઉન્ડની કાર અને અન્ય રોડ વ્હિક્લ્સ, 14.3 બિલિયન પાઉન્ડના કેમિકલ્સ, 11.7 બિલિયન પાઉન્ડની મશીનરી અને 10.8 બિલિયન પાઉન્ડના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની નિકાસ કરી હતી. જુલાઇ 2024થી જુલાઇ 2025 વચ્ચે અમેરિકા યુકેનો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ રહ્યો હતો. યુકેના કુલ વેપારમાં અમેરિકા સાથેનો વેપાર 17.8 ટકા હતો. ટ્રમ્પના નવા ટેરિફના કારણે યુકેની નિકાસોને મોટો ફટકો પડી શકે છે.
બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ગ્રીનલેન્ડના મુદ્દે ટ્રમ્પની ટેરિફ ધમકીઓને સદંતર અયોગ્ય ગણાવી છે. સોમવારે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે ગઠબંધનમાં પ્રવર્તતા મતભેદો દૂર કરવા માટે સાથી દેશો પર ટેરિફનો ઉપયોગ યોગ્ય રસ્તો નથી. તેનાથી ગ્રીનલેન્ડની સુરક્ષા મજબૂત બનાવવામાં પણ કોઇ મદદ નહીં મળે. જોકે સ્ટાર્મરે અમેરિકી ઉત્પાદનો પર વળતો ટેરિફ લાદવાની સંભાવના નકારી કાઢી હતી.
સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ટ્રેડ વોર કોઇના હિતમાં નથી. મારી પ્રાથમિકતા હાલ યુકેના રાષ્ટ્રીય હિતો પર કામ કરવાની છે. ટ્રમ્પે સહયોગી દેશો સાથે શાંતિપૂર્ણ મંત્રણા કરીને ગ્રીનલેન્ડનો મુદ્દો ઉકેલવો જોઇએ.


