ટ્રેનો મોડી પડવા બદલ વળતરઃ રોજ ૧૨,૦૦૦થી વધુ દાવા મંજૂર

Wednesday 03rd July 2019 01:56 EDT
 

લંડનઃ બ્રિટનમાં હવે ટ્રેન સમયસર નહિ ઉપડવા કે પહોંચવાનું જાણે સામાન્ય બની ગયું છે. ગયા વર્ષે ટ્રેન ઓછામાં ઓછી ૧૫ મિનિટ મોડી હોય તેવા કિસ્સાઓમાં રોષિત પ્રવાસીઓ દ્વારા ૫.૩ મિલિયન કલેઈમ્સ કરાયા હતા. ૮૪ ટકા દાવાનું સમાધાન પ્રવાસીની તરફેણમાં કરાયું હતું. આનો અર્થ એ છે કે ૪.૪ મિલિયન દાવેદારોને રકમો ચૂકવી અપાઈ હતી. ઓફિસ ઓફ રેઈલ એન્ડ રોડ (ORR) દ્વારા જણાવાયું હતું કે ગત છ વર્ષમાં ટ્રેનોમાં ભારે ભીડ, ઊંચા ભાડાં અને વિલંબિત પ્રવાસ સેવાની સૌથી વધુ ફરિયાદો થઈ હતી.

ગત વર્ષે મોડી દોડતી ટ્રેનો સંદર્ભે દરરોજ ૧૨,૦૦૦થી વધુ વળતરના દાવાઓની ચૂકવણી સાથે રલવેતંત્રમાં અરાજકતાનો ઘટસ્ફોટ થયો હતો. ૩૧ માર્ચ સુધીના ૧૨ મહિનામાં ઓછામાં ઓછું ૧૫ મિનિટ મોડી પડેલી ટ્રેનના રોષિત પ્રવાસીઓ દ્વારા ૫.૩ મિલિયન ક્લેઈમ્સ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૪.૪ મિલિયન એટલે કે ૮૪ ટકા દાવેદારોને વળતરની રકમો ચૂકવી અપાઈ હતી. વળતર તરીકે ચૂકવાયેલી રકમ જાહેર કરાઈ નથી પરંતુ, તેનું બિલ ૧૦૦ મિલિયન પાઉન્ડથી વધી જવાની શક્યતા છે. સરકારે અગાઉ જણાવ્યું હતું કે ૨૦૧૭-૧૮માં ૮૧ મિલિયન પાઉન્ડ વળતર ચૂકવાયું હતું.

ORRના અન્ય રિપોર્ટ અનુસાર ગત વર્ષે કુલ ૫૩૬,૨૭૨ ફરિયાદ નોંધાઈ હતી, જેનો પાંચમો ભાગ ટ્રેનોનાં વિલંબ અને રદ થવા અંગે હતો. તેની અગાઉના વર્ષે ૫૦૬,૭૪૮ ફરિયાદ હતી. કન્ઝયુમર ગ્રૂપ Which?ના કેમ્પેઈન્સ હેડ નીના ભાટીએ કહયું હતું કે ટ્રેનો મોડી પડવા કે રદ થવાથી લોકોના કામકાજ અને પારિવારિક જીવનમાં ભારે અરાજકતા સર્જાય છે, જે ચિંતાનો વિષય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter