ટ્વિટરે બીબીસી પર સરકારી સહાય મેળવતી સંસ્થાનું લેબલ મારતા વિવાદ

બીબીસી જનતા દ્વારા ચૂકવાતી લાયસન્સ ફીથી ચાલે છે - બીબીસી

Tuesday 11th April 2023 14:07 EDT
 

લંડન

ઇલોન મસ્કે બીબીસીને સરકાર દ્વારા ભંડોળ મેળવતા ઓર્ગેનાઇઝેશન ગણાવીને વિવાદ સર્જ્યો છે. ટ્વિટરે બીબીસીને સરકાર દ્વારા ભંડોળ મેળવતી સંસ્થાનું લેબલ માર્યું છે. જોકે આ લેબલ ફક્ત બીબીસીને જ મરાયું નથી. બીબીસી ઉપરાંત પીબીએસ, એનપીઆર, વોઇસ ઓફ અમેરિકા પર પણ આ લેબલ મરાયું છે. જોકે કેનેડાની સીબીસી અને કતારની અલ જઝિરા પર આ પ્રકારના લેબલ મરાયાં નથી.

ટ્વિટર પર બીબીસીના 22 લાખ ફોલોઅર્સ છે. જોકે બીબીસી ન્યૂઝ વર્લ્ડ અને બીબીસી બ્રેકિંગ ન્યૂઝના એકાઉન્ટ્સ પર આ પ્રકારનું લેબલ મરાયું નથી. ટ્વિટરે એની પણ સ્પષ્ટતા કરી નથી કે તે કેવા સંગઠનોને સરકારી સહાય મેળવતા સંગઠન ગણે છે.

બીબીસીએ જણાવ્યું હતું કે, અમે આ મામલાનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. બીબીસી હંમેશથી સ્વતંત્ર મીડિયા સંસ્થા રહી છે. બીબીસીને બ્રિટિશ જનતા દ્વારા લાયસન્સ ફીના માધ્યમથી ભંડોળ આપવામાં આવે છે. તે ઉપરાંત બીબીસીને જાહેરખબરોમાંથી આવક થતી હોય છે.

બીબીસી ઓછું પક્ષપાતી મીડિયા સંગઠન – ઇલોન મસ્ક

ટ્વિટરના માલિક ઇલોન મસ્કે બીબીસીને પાઠવેલા એક ઇમેલ સંદેશમાં જણાવ્યું હતું કે, અમે મહત્તમ પારદર્શકતા અને ચોકસાઇ માટે કામ કરી રહ્યાં છીએ. માલિકી અને ભંડોળ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવો યોગ્ય છે. મને લાગે છે કે મીડિયા સંગઠનોએ જાતે જ સાવચેત રહેવું જોઇએ અનેકોઇપણ પ્રકારનો પક્ષપાત નહીં કરાતો હોવાના ખોટા દાવા કરવા જોઇએ નહીં. તમામ સંગઠનો પક્ષપાત કરતા હોય છે. હું ટ્વિટર પર બીબીસી ન્યૂઝને ફોલો કરું છું કારણ કે તે ઓછું પક્ષપાતી મીડિયા સંગઠન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter