ડચેસ ઓફ કેમ્બ્રીજ કેટને ડેમ ગ્રાન્ડ ક્રોસની નવાજેશ

કવીન વિક્ટોરિયાએ અંગત કદર કરવાં ૧૮૯૬માં આ ઓર્ડરની શરુઆત કરી હતી

Wednesday 01st May 2019 03:24 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ૩૭ વર્ષીય ડચેસ ઓફ કેમ્બ્રીજ કેટ મિડલટનને બ્રિટિશ રાજાશાહીના સભ્ય તરીકે બજાવેલી ફરજ અને કાર્યોની કદર તરીકે ડેમ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ વિક્ટોરિયન ઓર્ડર (GCVO)ની નવાજેશ કરી છે. પ્રિન્સ વિલિયમ સાથે કેટના લગ્નની આઠમી વર્ષગાંઠ નિમિત્તે નાઈટની સમકક્ષનો આ ઓર્ડર ક્વીન દ્વારા કેટની સૌથી સારી સ્વીકૃતિ તરીકે જોવાય છે. આ ઓર્ડર અંતર્ગત એવોર્ડ માટેની પસંદગી ખુદ ક્વીન દ્વારા જ કરવામાં આવે છે. પ્રિન્સ વિલિયમ અને કેટનાં લગ્ન ૨૯ એપ્રિલ ૨૦૧૧ના દિવસે થયાં હતાં.

ડચેસ ઓફ કેમ્બ્રીજ કેટ અને ડચેસ ઓફ સસેક્સ મેગન વચ્ચે તથાકથિત સ્પર્ધા અને મતભેદોની અફવાઓ ચાલી રહી છે તેમજ મેગનને છેલ્લાં દિવસો જાય છે ત્યારે બકિંગહામ પેલેસ દ્વારા ડેમ ગ્રાન્ડ ક્રોસની આ જાહેરાત કેટ માટે પ્રોત્સાહક બની રહેશે. ડચેસ ઓફ કેમ્બ્રીજે બાળવિકાસના પ્રારંભિક વર્ષોનાં પોતાના ઉદ્દેશો, મહારાણી વતી કોમનવેલ્થ દેશોના પ્રવાસો તેમજ પતિ પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી સાથે મળીને માનસિક આરોગ્ય વિશે જાગૃતિ કેળવવામાં કરેલી મદદ નોંધપાત્ર ગણાય છે. આ કાર્યો તેમણે પોતાનાં ત્રણ બાળકોનાં ઉછેરની સાથોસાથ કર્યાં છે.

કવીન વિક્ટોરિયાએ તેમની મહારાણી તરીકેની ફરજોમાં મદદ કરનારાં લોકોની અંગત કદર કરવાં ૧૮૯૬માં આ ઓર્ડરની શરુઆત કરી હતી. કિંગ એડવર્ડ ત્રીજાના શાસનમાં ૧૯૩૬માં સુધારો કરી મહિલાઓને પણ સામેલ કરવામાં આવી હતી. આ અકરામમાં સૌથી ઉચ્ચ પ્રકાર નાઈટ અથવા ડેમ ગ્રાન્ડ ક્રોસ (GCVO) ગણાય છે. અન્ય વર્ગમાં નાઈટ અથવા ડેમ કમાન્ડર (KCVO કે DCVO), કમાન્ડર (CVO), લેફ્ટનન્ટ (LVO) અને મેમ્બર (MVO) આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter