ડડલીના ટોરી ઉમેદવાર હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભાગલા પડાવી રહ્યાનો આરોપ

કાશ્મીર મુદ્દો ઉઠાવી હિન્દુ-મુસ્લિમ મતદારોમાં વિભાજન કરવાનો માર્કો લોંઘીનો પ્રયાસ શરમજનકઃ રાજેશ અગરવાલ

Tuesday 18th June 2024 11:43 EDT
 
 

લંડનઃ ટોરી ઉમેદવાર માર્કો લોંઘીએ તેમના ચૂંટણી પ્રચારમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા વિવાદ સર્જાયો છે. લોંઘીએ જણાવ્યું હતું કે, ભારતમાં નરેન્દ્ર મોદી ફરીવાર ચૂંટાઇ આવતા કાશ્મીરના લોકો માટે કપરો સમય આવ્યો છે. મોદી એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કાશ્મીરને સંપુર્ણ રાજ્યનો દરજ્જો આપવા જઇ રહ્યા છે તેનો અર્થ એ થયો કે કાશ્મીરીઓ તેમના અધિકારો અને વિશેષ દરજ્જો ગુમાવી દેશે. હું સંસદમાં સતત કાશ્મીરનો મુદ્દો ઉઠાવતો રહ્યો છું અને ઉઠાવતો રહીશ.

લેસ્ટર ઇસ્ટના લેબર ઉમેદવાર રાજેશ અગરવાલે જણાવ્યું હતું કે, લોંઘી હિન્દુ અને મુસ્લિમ મતદારોમાં વિભાજનનો પ્રયાસ કરી રહ્યાં છે. રિશી સુનાકે પાર્ટી કરતાં દેશને પહેલુ મહત્વ આપીને તાત્કાલિક લોંઘીને અપાયેલું પાર્ટીનું સમર્થન પાછુ ખેંચી લેવું જોઇએ અને તેમની સામે આકરાં પગલાં લેવાં જોઇએ.

નવિન શાહ સીબીઇએ જણાવ્યું હતું કે, ટોરી ઉમેદવાર જનતાની હાડમારીઓ માટે માફી માગવાને બદલે બે સ્વતંત્ર દેશ વચ્ચેના મુદ્દાને ઉઠાવી ભારત પર પ્રહાર કરી રહ્યાં છે. મને વિશ્વાસ છે કે ડડલી અને સમગ્ર દેશના મતદારો ટોરીઝની વિભાજનકારી નીતિઓને નકારી કાઢશે. યુકેના ભારત સાથે મજબૂત સંબંધો છે અને લેબર નેતૃત્વમાં તે વધુ મજબૂત બનશે.

કૃપિશ હિરાણી એએમએ જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ દ્વારા ચલાવાતા ભારત વિરોધી અભિયાનથી ઘણો આઘાત લાગ્યો છે. તેઓ ભારતીય મૂળના લેબર ઉમેદવાર સોનિયા કુમારને લક્ષ્યાંક બનાવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter