લંડનઃ 2023ના સમરમાં ડર્બીના એલ્વેસ્ટન ખાતે કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન થયેલી જૂથ અથડામણમાં ઝડપાયેલા સાત આરોપીને દોષી ઠેરવાયા છે. આ અથડામણમાં બંદૂકો, તલવારો, છરાનો છૂટથી ઉપયોગ કરાયો હતો. ડર્બીશાયર પોલીસ દ્વારા ગયા બુધવારે આ જૂથ અથડામણના ફૂટેજ જારી કરાયાં હતાં. જેમાં પરમિન્દરસિંહ પાસે એક સેમી ઓટોમેટિક પિસ્તોલ હતી અને તેમાંથી ગનશોટ ફાયર કરાયાં હતાં. અથડામણમાં પરમિન્દરને પણ ગોળી વાગી હતી. ડર્બી ક્રાઉન કોર્ટ દ્વારા વેસ્ટ મિડલેન્ડ્સના પરમિન્દરને હિંસા અને પિસ્તોલ રાખવા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. વૂલ્વરહેમ્પટનનો મલકીત સિંહ અન્ય જૂથ દ્વારા આચરાયેલી હિંસામાં સામેલ હતો. આ કેસમાં અન્ય પાંચ વ્યક્તિએ પણ આ અથડામણમાં સામેલ હોવાના આરોપની કબૂલાત કરી લીધી છે. તેમને સજાની સુનાવણી હવે પછી કરાશે.

