લંડનઃ સુપ્રીમ કોર્ટના સાત ન્યાયમૂર્તિએ વર્ષા ગોહિલ અને એલિસન શાર્લેન્ડના કેસમાં તેમના ડાઈવોર્સ કેસીસના સેટલમેન્ટ્સની ફેરસુનાવણી કરવાનો સર્વસંમત યુકાદો આપ્યો છે. મુખ્ય ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટના ડેપ્યુટી પ્રેસિડેન્ટ લેડી હાલે સ્પષ્ટ કર્યું હતું કે ‘fraud unravels all’ સિદ્ધાંત કોમર્શિયલ કોન્ટ્રાક્ટ્સની માફક ડાઈવોર્સને પણ લાગુ પડે છે. ફેમિલી કેસીસમાં એવું કશું વિશેષ ચમત્કારિક નથી જેથી તેના માટે અલગ સિદ્ધાંતો લાગુ પડવાં જોઈએ. આ સીમાચિહ્ન ચુકાદાના પરિણામે ડાઈવોર્સની પ્રક્રિયા દરમિયાન પૂર્વ પતિ અથવા પત્નીએ પોતાની સંપત્તિનું વાસ્તવિક મૂલ્ય છુપાવ્યું હોય અને ડાઈવોર્સ મળ્યા પછી તે મૂલ્ય જાહેર થાય તેવાં સંજોગોમાં ડાઈવોર્સ સેટલમેન્ટ્સની કાર્યવાહી પુનઃ ઉખેળવાની તક મળશે. આ બન્ને કેસમાં નીચલી કોર્ટ્સે ચુકાદા આપ્યા હતા કે પૂર્વ પતિઓએ તેમની મિલ્કતોની સંપૂર્ણ જાહેરાત કરી નથી. આમ છતાં, તેમના ડાઈવોર્સ એગ્રીમેન્ટ્સ ફરી ઉખેળી શકાય નહિ.
વર્ષા ગોહિલ (૫૦) અને એલિસન શાર્લેન્ડ (૪૮) દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઈ હતી કે તેમના પૂર્વ પતિઓએ ડાઈવોર્સ સમયે પોતાની સંપત્તિનું સાચુ મૂલ્ય જાહેર કર્યું ન હતું. આથી, તેમના કેસની ફેરસુનાવણી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે તેમની દલીલ અને અપીલ માન્ય રાખતા હવે તેઓ તેમના ડાઈવોર્સ સેટલમેન્ટ્સની ફેરસુનાવણી માટે કોર્ટ્સમાં ફરી દાવો કરી શકશે. આ બે મહિલા કેટલો દાવો કરશે તે હજુ જાહેર થયું નથી.
નોર્થ લંડનના વર્ષા ગોહિલને ૨૦૦૪ના ડાઈવોર્સ કેસમાં તેમના સોલિસિટર પતિ ભદ્રેશ ગોહિલ દ્વારા £૨૭૦,૦૦૦ અને પ્યુજો કાર મળી હતી. આ દંપતીના લગ્ન ૧૯૯૦માં થયા હતા અને તેમના ત્રણ સંતાન છે. ભદ્રેશ ગોહિલે તેની આવક ઘણી ઓછી હોવાનો દાવો કર્યો હતો. ડાઈવોર્સના છ વર્ષ પછી મની લોન્ડરિંગ કેસમાં દોષિત ભદ્રેશ ગોહિલને ૧૦ વર્ષની સજા થઈ હતી. આ કેસમાં બહાર આવ્યું હતું કે તેણે નાઈજિરિયન રાજકારણીને £૫૦ મિલિયનની ચોરીમાં મદદ કરી હતી. વર્ષા ગોહિલે દલીલે કરી હતી કે તેમના ડાઈવોર્સ સેટલમેન્ટ કેસમાં ઘણી બાબતો છુપાવવામાં આવી હતી. જજ લોર્ડ વિલ્સને નોંધ્યું હતું કે, સંપૂર્ણ જાહેરાત કરવાની ગોહિલની ફરજ હતી. ગોહિલ કેસમાં હાઈ કોર્ટે ત્રણ વર્ષ અગાઉ ચુકાદો આપ્યો હતો કે મિ. ગોહિલ તેમની નાણાકીય પરિસ્થિતિ જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા હોઈ સેટલમેન્ટ રદ થવું જોઈએ. જોકે, ગયા વર્ષે કોર્ટ ઓફ અપીલે ચુકાદો ઉલટાવી નાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે તે ચુકાદો પણ ઉલટાવી નાખ્યો છે.
ચેશાયરના વિલ્મસ્લોના એલિસન શાર્લેન્ડને ત્રણ વર્ષ પહેલા મલ્ટિમિલિયોનેર પૂર્વ પતિ ચાર્લ્સ પાસેથી કેશ અને પ્રોપર્ટીમાં £૧૦ મિલિયનથી વધુ રકમ મળી હતી. તેમના લગ્ન ૧૯૯૩માં અને ડાઈવોર્સ ૨૦૧૦માં થયા હતા. તેમને ત્રણ સંતાન છે, જેમાંથી એક વિકલાંગ છે. ડાઈવોર્સમાં પતિના બિઝનેસનું મૂલ્ય £૩૧ મિલિયનથી £૪૭ મિલિયન વચ્ચે હોવાનું મનાયું હતું. જોકે, ફાઈનાન્સિયલ પ્રેસના અહેવાલોએ £૧ બિલિયનનું મૂલ્ય મૂક્યું હતું.
વર્ષા ગોહિલે ચુકાદા અંગે પ્રત્યાઘાત આપતાં કહ્યું હતું કે, ‘ડાઈવોર્સમાં કોઈનો વિજય થતો નથી. આ કાર્યવાહીમાં સંકળાયેલા પક્ષકાર પરિવારમાં ભારે કિંમત ચુકવતાં બાળકો પ્રત્યે વિશેષ ધ્યાન આપવું આવશ્યક છે. દરેક માટે લાગણીકીય દબાણ ભારે હોય છે અને નાણાકીય સ્રોતો ખાલી થઈ જાય છે. નાણાકીય સાધનો ધરાવનારાને કોર્ટની પ્રોસેસમાં વાંધો આવતો નથી. હું એટલે નસીબદાર છું કે મોટા ભાગનો કેસ હું જાતે લડી હતી.’
જસ્ટિસ મોસ્ટિને ૨૦૧૪માં એક ચુકાદામાં યુએસએના જ્યોર્જિયામાં વસવાટ માટે જતા રહેલા બ્રિટિશ જ્વેલર ધર્મેશ દ્વારકાદા ભૂરાને ‘અપ્રામાણિક પક્ષકાર ગણાવ્યો હતો. તેણે નાણાકીય વળતર માટેના પત્નીના કેસને નબળો પાડવાના ઈરાદાથી મૂલ્યવાન જ્વેલરીનો મોટો હિસ્સો વગેસગે કરી દીધો હતો.