લંડનઃ ડાઈવોર્સ પછી પત્નીને નાણા નહિ ચુકવનાર પૂર્વ પતિઓ નવા કાયદા અન્વયે તેમના ડ્રાઈવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ પણ ગુમાવી શકે છે. અત્યાર સુધી પૂર્વ પત્નીઓ નાણા નહિ ચુકવનાર પતિને જેલમાં મોકલવાની જ દાદ માગી શકતી હતી. નવી દરખાસ્તો અનુસાર પતિને એક વર્ષ સુધી ડ્રાઈવિંગ લાયસન્સના પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે અને જજને તેમના પાસપોર્ટ જપ્ત કરવાની સત્તા પણ મળી શકે છે. કોર્ટ બેન્ક એકાઉન્ટ્સ અને ટેક્સ રેકોર્ડ્સ સહિત સંપત્તિના દસ્તાવેજો પણ તપાસી શકે છે.
ડાઈવોર્સ લીધેલા પતિઓ તેમની પૂર્વ પત્નીઓને કોર્ટના આદેશ પછી પતાવટ મુજબની રકમ નહિ ચુકવવા યુક્તિ-પ્રયુક્તિઓ કરે તેમની સામે જેલ સિવાયના પગલાની ભલામણ પણ લો કમિશન દ્વારા કરવામાં આવી છે. જેલની સજા કરવામાં પણ ક્રિમિનલ પુરાવાની જરૂર રહે છે, જેના અભાવે આવી સજાનો અમલ થઈ શકતો નથી. ડાઈવોર્સ ડીક્રીમાં ‘ફેમિલી ફાઈનાન્સિયલ ઓર્ડર્સ’ કરવામાં આવે છે તેનો અમલ કરવામાં કેટલાંક પતિઓ અને પત્નીઓ ધરાર ઠાગાંઠૈયાં કરે છે અને નાણા ચુકવવાની નિષ્ફળતા બદલ તેમને સજા-દંડ કરી શકાતાં નથી તેવી ફરિયાદોના પગલે નવી ભલામણો કરાઈ છે. જો નાણા ન અપાય તો ભાડાં, મોર્ગેજ, પાયારુપ જીવન આવશ્યકતાઓ, બાળકોના શિક્ષણ અને જીવનધોરણ પર ગંભીર અસરો સર્જાતી હોય છે.
કમિશનની ભલામણો મુજબ પતિને ૧૨ મહિના ડ્રાઈવિંગ માટે ગેરલાયક ઠરાવી શકાય છે. જોકે, જીવનનિર્વાહ માટે જેમને ડ્રાઈવિંગ કરવું પડતું હોય તેઓ પૂર્વ સાથીને નાણા ચુકવવા નાણા કમાઈ શકે નહિ. જજ માત્ર યુકે પાસપોર્ટ જ જપ્ત કરવા આદેશ આપી શકે અને નાણા ચુકવાય ત્યારે તે પરત કરી શકાશે. ઈંગ્લેન્ડ અને વેલ્સની કોર્ટ્સ દ્વારા દર વર્ષે ચારમાંથી ત્રણ ડાઈવોર્સ કેસીસ અથવા ૯૦,૦૦૦ જેટલાં ફેમિલી ફાઈનાન્સિયલ ઓર્ડર્સ કરવામાં આવે છે.


