લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકના પત્ની અક્ષતા મૂર્તિ છેલ્લા એક વર્ષથી દર શુક્રવારે સવારે 10 કલાકે શાળાના વિદ્યાર્થીઓને 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે આમંત્રિત કરી તેમને બિઝનેસ, બ્યુટી, કૂકિંગ, કોડિંગ અને કેમેસ્ટ્રીના પાઠ ભણાવે છે. અત્યાર સુધીમાં બર્નલીથી બ્રાઉન્ટનની 57 શાળાના 1000 કરતાં વધુ વિદ્યાર્થી અક્ષતાના આ ક્લાસમાં પાઠ ભણી ચૂક્યાં છે. ડાઉનિંગ સ્ટ્રીટનો સ્ટાફ કહે છે કે અક્ષતા બાળકો સાથે સહેલાઇથી હળી મળી જાય છે.
બાળકોને માર્ગદર્શન આપવાનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે અક્ષતા કહે છે કે મારા પતિના વડાપ્રધાન બન્યા બાદ મને પ્રસંગોપાત કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવાની વિનંતી કરવામાં આવતી હતી અને તેમાં દરેક વખતે બાળકો આવતાં. હતાં. તેઓ એ મુલાકાત ભૂલતાં નહોતાં. મારા પતિ સાથે હું દેશમાં પ્રવાસ કરતી ત્યારે પણ બાળકો સાથે મુલાકાત થતી રહેતી હતી.
અક્ષતા કહે છે કે ડાઉનિંગ સ્ટ્રીટ એક વિશેષ સ્થળ છે. તે એક સોનાનું પીંજરું બની રહેવું જોઇએ નહીં. 10 ડાઉનિંગ સ્ટ્રીટ દેશની અનામત છે. તો પછી શા માટે બાળકો માટે તેના દ્વાર ખુલ્લાં ન મૂકવા જોઇએ. તેથી મેં આ આઇડિયાનો અમલ કરવા કેટલીક શાળાઓની મદદ લીધી. હું એક ઉદ્યોગપતિની માનસિકતા ધરાવું છું અને ઉદ્યોગપતિ પરિવારની દીકરી છું તેથી લેસન્સ એટ 10 એક યાદગાર પ્રવાસ બની રહ્યો છે. બાળકો સાથે વાત કરતાં મને વિચાર આવતો કે હું તેમને કેવા પ્રકારનો અનુભવ આપી શકું. તેના પગલે મને આ વિચાર આવ્યો. હું બાળકોમાં રહેલા જુસ્સાને બહાર લાવવાનો પ્રયાસ કરું છું. હું તેમને કારકિર્દી માટે કોઇ સલાહ આપતી નથી પરંતુ મારો આઇડિયા સફળ થઇ રહ્યો છે. હું 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં કશું કરવા માગુ છું અને શિક્ષણ મારા માટે એક અર્થપૂર્ણ કાર્ય છે. બાળકો મને રાજનીતિના કે આગામી ચૂંટણી ક્યારે યોજાશે તેવા સવાલ પૂછતા નથી.
મેં મારા સંતાનોને હંમેશા સારા સંસ્કાર આપ્યાં છેઃ સુધા મૂર્તિ
બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાકના ભારતીય સાસુમા સુધા મૂર્તિએ મધર્સ ડે નિમિત્તે સોશિયલ મીડિયા પર એક ફેમિલી ફોટો પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે, મારા માટે માતૃત્વ અદ્દભૂત રહ્યું છે. મારા સંતાનો અક્ષતા અને રોહન મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. મેં હંમેશા તેમને સારા સંસ્કાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.


