લંડનઃ શું ડેમ પ્રીતિ પટેલ પોતાને જમણેરી માને છે... જોકે લાંબાસમયથી કાયદો અને વ્યવસ્થાથી માંડીને માઇગ્રેશન અને કરવેરા મુદ્દે જમણેરી વિચારધારા ધરાવતા પૂર્વ હોમ સેક્રેટરી આ પ્રકારના બ્રાન્ડિંગને ફગાવી રહ્યાં છે. પ્રીતિ પટેલ કહે છે કે આ પ્રકારના લેબલ અત્યારે યોગ્ય કે મદદરૂપ નથી. વાસ્તવિકતા એછે કે અમે 121 સાંસદો ધરાવતી પાર્ટી છીએ. અમે ડાબેરી કે જમણેરીની પળોજણમાં પડી શકીએ નહીં. મને લાગે છે કે પાર્ટીમાં સર્જાયેલી અંધાધૂંધી માટે આ પ્રકારની માન્યતાઓ જ જવાબદાર છે. ટોરીઝમાં ચાલી રહેલી ખેંચતાણને કારણે જ જનતાએ પાર્ટી પર લક્ષ આપવાનું બંધ કરી દીધું છે. મને લાગે છે કે આપણે ભૂતકાળમાં પાછા જઇ શકીએ નહીં.
પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે આપણી પાર્ટીમાં ઘણા ડ્રામા જોવા મળ્યાં છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મેં 18 મતવિસ્તારોની મુલાકાત લીધી. લોકો મને કહેતાં કે તમે એકબીજાને જ પસંદ કરતાં નથી તો અમે તમને શા માટે મત આપીએ.. મને લાગે છે કે આપણે તાજેતરના વર્ષોમાંથી પદાર્થપાઠ શીખવો જોઇએ. હું અહીં પાર્ટીને વિભાજિત કરનારી નીતિઓની વાત કરવા માગતી નથી. આપણે એકજૂથ થવાની જરૂર છે ત્યારે જ વિભાજિત કરનારી નીતિઓ સામે આવી રહી છે. આપણે ખરેખર તો જનતાનો અવાજ સાંભળીને વિશ્વાસ જીતવાની જરૂર છે.
તેમણે જણાવ્યું હતું કે, વિપક્ષના નેતાની કામગીરી સરળ નથી. આ એક ગંભીર હોદ્દો અને મુશ્કેલ કામગીરી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા હોવું એક મહત્વની જવાબદારી છે. મને લાગે છે કે તાજેતરના વર્ષોમાં તેને ગંભીરતાથી લેવામાં આવી નથી.
ટોરી નેતૃત્વની રેસમાં ડેમ પ્રીતિ પટેલ ફ્રન્ટ રનર્સમાં સામેલ
બીજી ઓક્ટોબરે યોજાનારી ટોરી નેતૃત્વની ચૂંટણીની રેસમાં રોબર્ટ જેનરિક, કેમી બેડનોક અને પ્રીતિ પટેલ ફ્રન્ટ રનર તરીકે ઉભરી આવ્યાં છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોમાં કરાયેલા એક સરવે અનુસાર પૂર્વ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિક 24.2 ટકા સાથે આ રેસમાં સૌથી આગળ છે. ડેમ પ્રીતિ પટેલ 23.4 ટકા સાથે બીજા સ્થાને અને શેડો હાઉસિંગ સેક્રેટરી કેમી બેડનોક 21 ટકા સાથે ત્રીજા સ્થાને છે. ટોરી નેતૃત્વની રેસમાં ઉતરેલા શેડો હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલી, શેડો સિક્યુરિટી મિનિસ્ટર ટોમ તુગેન્ધાત અને શેડો વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી મેલ સ્ટ્રાઇડ ઘણા પાછળ રહી ગયાં છે. કન્ઝર્વેટિવ પાર્ટીના કાર્યકરોના સરવેમાં જેમ્સ ક્લેવરલીને 4.9 ટકા, ટોમ તુગેન્ધાતને 3.4 ટકા અને મેલ સ્ટ્રાઇડને ફક્ત 1.9 ટકા કાર્યકરોનું સમર્થન હાંસલ થયું હતું.


