લંડનઃ યુકેની જેલમાં 6 વર્ષ વીતાવ્યા બાદ આર્થિક અપરાધી નીરવ મોદીનું ભારત ખાતેનું પ્રત્યર્પણ નિશ્ચિત બન્યું છે. યુકેની હાઇકોર્ટે નીરવ મોદીની અંતિમ અપીલ ફગાવી દેતાં જણાવ્યું હતું કે, નીરવ મોદીના ભારત ખાતેના પ્રત્યર્પણથી તેમના માનવ અધિકારનું ઉલ્લંઘન થશે નહીં. નીરવ મોદીના વકીલે ભારતીય જેલોની સ્થિતિ અને નીરવ મોદીની આત્મહત્યાની સંભાવનાઓ અપીલમાં રજૂ કરી હતી પરંતુ કિંગ્સ બેન્ચ ડિવિઝનનના પ્રેસિડેન્ટ જસ્ટિસ વિક્ટોરિયા શાર્પે અપીલ ફગાવી દીધી હતી.
નીરવ મોદીને ન્યાય નહીં મળે તેવી દલીલને ફગાવી દેતાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ભારતીય ન્યાય વ્યવસ્થા સ્વતંત્ર રીતે કામ કરે છે. નીરવ મોદી પર જાહેર ચકાસણી વચ્ચે ખટલો ચાલશે અને તેમને પોતાનો બચાવ કરવાની તક પણ મળી રહેશે.
જસ્ટિસ શાર્પે તેમના ચુકાદામાં નીરવ મોદીની માનસિક બીમારીને સ્વીકારી હતી અને તે આત્મહત્યા કરે તેવું જોખમ રહેલું છે તે પણ સ્વીકાર્યું હતું પરંતુ તેમણે જણાવ્યું હતું કે, નીરવ મોદીનું પ્રત્યર્પણ અટકાવી શકાય તેવું જોખમ પણ રહેલું નથી. ભારતીય સત્તાવાળાઓ આ માટે સાવચેતીના પગલાં લઇ શકે છે.
નીરવ મોદીને જામીન આપવામાં રૂપિયા 5000 કરોડનું જોખમઃ કોર્ટ
નીરવ મોદીને જામીન આપવાનો ઇનકાર કરતાં યુકેની કોર્ટે જણાવ્યું હતું કે, જો નીરવ મોદીને જામીન પર મુક્ત કરાશે તો અત્યાર સુધી શોધી શકાયા નથી તે રૂપિયા 5000 કરોડ સુધી પહોંચવામાં તે સફળ થઇ શકે છે. નીરવ મોદીએ રૂપિયા 6500 કરોડનું ફ્રોડ આચર્યું છે. સમગ્ર વિશ્વમાં જપ્ત કરાયેલ રકમ અને વણશોધાયેલી રકમ વચ્ચે રૂપિયા 5000 કરોડનો તફાવત છે.