ડાયવોર્સ પેકેજ મુદ્દે ઈયુ-યુકેમાં સમજૂતી સાધવા થેરેસા મેને સફળતા

આખી રાતના જાગરણ પછી સમજૂતીને આખરી ઓપઃ ઈયુને અંદાજે ૪૦થી ૫૦ બિલિયન પાઉન્ડ ચુકવવા પડશેઃ માર્ચ ૨૦૧૯માં ઈયુ છોડયા પછી બે વર્ષનો ટ્રાન્ઝીશન પીરિયડઃ ઈયુના કાયદાઓ માન્ય રાખી બજેટ્સમાં ફાળો આપવો પડશે

Wednesday 13th December 2017 06:40 EST
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ ઈયુ સાથે સમજૂતી કરવાના પ્રયાસોમાં આખરે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. યુકેના નેગોશિયેટરોએ આયર્લેન્ડ, ડીયુપી અને ઈયુ સાથે સમજૂતીને આખરી ઓપ આપવા રાતભર જાગરણ કર્યું હતું. આ પછી વડા પ્રધાન થેરેસા મે યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ જીન-ક્લોડ જૂન્કરને મળવા આઠ ડિસેમ્બરની સવારે બ્રસેલ્સ પહોંચ્યાં હતા અને સમજૂતી પર મહોર મારી હતી. ડાયવોર્સ પેકેજ તરીકે ઈયુને અંદાજે ૪૦થી ૫૦ બિલિયન પાઉન્ડની રકમ ચુકવવી પડે તેવી સંભાવના છતાં વડા પ્રધાને કહ્યું હતું કે યુકેની એકતાને કોઈ જોખમ રહ્યું નથી. ઈયુના નેતાઓ આગામી સપ્તાહના સમિટમાં વેપારસંબંધો વિશે વાતચીત આરંભવા બહાલી આપશે. યુકે માર્ચ ૨૦૧૯માં ઈયુ છોડે તે પછી બે વર્ષનો ટ્રાન્ઝીશન પીરિયડ મેળવી શકશે પરંતુ, આ દરમિયાન તેણે ઈયુના કાયદાઓ માન્ય રાખવા પડશે અને ઈયુ બજેટ્સમાં ફાળો પણ આપવો પડશે.

થેરેસા સરકારને ટેકો આપી રહેલા ડીયુપીએ આઈરિશ સરહદના મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું પરંતુ, નવી સમજૂતીથી તેણે પણ સંતોષ દર્શાવ્યો છે. આમ, થેરેસા સરકાર પરનો ખતરો પણ ટળી ગયો હતો. યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ જીન-ક્લોડ જૂન્કરે જણાવ્યું હતું કે આગામી સપ્તાહે બ્રસેલ્સમાં યોજાનારી ઈયુ નેતાઓની શિખર પરિષદમાં સમજૂતી બહાલ રાખવા જણાવાશે.

ડાયવોર્સ પેકેજની અંદાજે ૪૦થી ૫૦ બિલિયન પાઉન્ડની જંગી રકમ છતાં માઈકલ ગોવ અને બોરિસ જ્હોન્સન સહિત મોટા ભાગના બ્રેક્ઝિટતરફી ટોરી નેતાઓએ સમજૂતીને આવકાર આપ્યો છે. આ સમજૂતી વડા પ્રધાન થેરેસા મે માટે અંગત અને રાજકીય વિજય સમાન ગણાવાય છે. આમ છતાં, વર્ષો સુધી યુરોપિયન કોર્ટ્સની સત્તા સ્વીકારવાની ખાતરી અને જંગી ડાયવોર્સ પેકેજ વિરુદ્ધ વળતો પ્રહાર થવાની પ્રબળ શક્યતા રહી છે.

જોકે, યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટસ્કે સ્પષ્ટ કર્યું હતું કે યુકેએ માર્ચ ૨૦૧૯ પછી બે વર્ષના ટ્રાન્ઝીશન સમયગાળામાં ઈયુના તમામ નવા કાયદાઓ માન્ય રાખવા પડશે અને ઈયુ બજેટ્સમાં પોતાનો ફાળો પણ આપવો પડશે. આ સમયગાળાની વાટાઘાટો તેમજ ભાવિ વેપાર સંબંધો મુદ્દે પ્રાથમિક ચર્ચા કરવા ચીફ નેગોશિયેટર માઈકલ બર્નીએરને નવા મેન્ડેટ આપવા સૂચિત ગાઈડલાઈન્સ તેમણે ઈયુ દેશોના નેતાઓને મોકલી આપી છે. બ્રિટિશ સરકાર બ્રેક્ઝિટ પછી આઠ વર્ષ માટે ઈયુ નાગરિકોના અધિકારો વિશેના મુદ્દા યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસને રીફર કરવા સંમત થઈ છે. બીજી તરફ, ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન ટ્રાન્ઝીશન પીરિયડમાં ઈયુ કાયદાઓને સ્વીકારવાની વિરુદ્ધ મનાય છે.

બ્રેક્ઝિટ ડીલમાં કેવી સંમતિ સધાઈ?

નાગરિકોના અધિકારઃ યુકેમાં રહેતા ૩ મિલિયન ઈયુ નાગરિકો અને ઈયુમાં રહેતા એક મિલિયન બ્રિટિશ નાગરિકો આજીવન રહી શકશે તેમ એક દસ્તાવેજમાં જણાવાયું છે. બ્રસેલ્સ સાથે યુકેના સંબંધો કપાય તે પછી પણ બ્રિટન અને નોર્ધર્ન આયર્લેન્ડમાં વસતા ઈયુ નાગરિકોને નિઃશુલ્ક હેલ્થકેર અને બેનિફિટ્સ સિસ્ટમનો લાભ મળતો રહેશે. યુકેમાં રહેતા ઈયુ નાગરિકોનો પરિવાર યુકેની બહાર રહેતો હશે તો બ્રેક્ઝિટ પછી પણ તેમને યુકે લાવી શકાશે.

આઈરિશ બોર્ડરઃ રીપબ્લિક ઓફ આયર્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડ વચ્ચે સરહદના મુદ્દે વાતચીત પડી ભાંગવાની શક્યતા હતી પરંતુ, વડા પ્રધાન થેરેસા મેએ ખાતરી આપી છે કે બ્રિટન ઈયુ છોડશે પછી રીપબ્લિક ઓફ આયર્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડ વચ્ચે કોઈ હાર્ડ બોર્ડર નહિ રહે. આઈરિશ સમુદ્રમાં પણ કોઈ સરહદ નહિ રહે તેવી ખાતરી પણ વડા પ્રધાને આપી છે.

જોકે, દસ્તાવેજમાં એમ પણ જણાવાયું હતું કે યુકે કોઈ પણ સમજૂતી કે ડીલ વિના જ ઈયુ છોડે તેવા સંજોગોમાં યુકે ‘નોર્થ-સાઉથ સહકાર’ને સમર્થન આપતી બાબતોમાં ઈયુ સાથે સંપૂર્ણ સહકાર સાધશે. આનો અર્થ એ થાય છે કે એનર્જી સહિત ૧૪૦ ક્ષેત્રોમાં નોર્થ અને સાઉથ સાથે મળીને કામ કરે છે તે યથાવત રહેશે.

બ્રેક્ઝિટ બિલઃ યુકેડાયવોર્સ પેકેજના એક ભાગ તરીકે આશરે ૪૦ બિલિયન પાઉન્ડ ઈયુને ચુકવવા સંમત થયું હોવાની અફવા ચાલે છે. ડોક્યુમેન્ટમાં આંકડો દર્શાવાયો નથી પરંતુ, સમયમર્યાદા દર્શાવવા સાથે જણાવાયું છે કે ચુકવણી યુરોમાં કરાશે.

દસ્તાવેજ જણાવે છે કે, યુકે ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ના દિવસ સુધી ઈયુ બજેટરી કમિટમેન્ટ્સને ફાઈનાન્સ કરવામાં તેનો હિસ્સાનો ફાળો આપશે. બ્રિટનને ૨૦૨૦થી યુરોપિયન ઈન્વેસ્ટમેન્ટ બેન્ક તરફથી ૩૦૦ મિલિયન યુરોના ૧૨ હપ્તા પરત મળશે.

છૂટા પડવાનું મુશ્કેલ જ હોય છેઃ ડોનાલ્ડ ટસ્ક

યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટસ્કે સમજૂતી પછી જણાવ્યું હતું કે છૂટા પડવાનું મુશ્કેલ હોય જ છે પરંતું, છૂટા પડ્યા પછી સારા સંબંધો જાળવી રાખવા વધુ મુશ્કેલ હોય છે. ટસ્કે વડા પ્રધાન મેને જણાવ્યું હતું કે સમય ઘણો પસાર થઈ ગયો હોવાથી બ્રેક્ઝિટની વાટાઘાટો માટે તેમની પાસે એક જ વર્ષ રહ્યું છે.

યુકે માર્ચ ૨૦૧૯માં ઈયુ છોડે તે પછી બે વર્ષનો ટ્રાન્ઝીશન પીરિયડ મળે તેમ મિસિસ મે ઈચ્છશે. જોકે, આના બદલામાં યુકેએ ઈયુ બજેટ્સમાં બિલિયન્સ ચુકવવા પડશે અને તેમ છતાં, કોઈ નિર્ણયમાં તેમનો અવાજ નહિ રહે અને સમિટ્સમાં હાજરી આપી નહિ શકે. તેમણે યુરોપિયન કોર્ટ્સના તમામ નવા કાયદા પણ સ્વીકારવા પડશે. ટસ્કે જણાવ્યું હતું કે ઈયુ બ્રિટન સાથે ટ્રાન્ઝીશન પીરિયડની વાટાઘાટો શરુ કરવા તૈયાર છે પરંતુ, ઈયુ છોડ્યા પછી લંડન નવા સંબંધોને કેવી રીતે નિહાળશે તે મુદ્દે વધુ સ્પષ્ટતા જરુરી રહેશે.    


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter