ડાયસ્પોરા યુવાનો માટે ‘ભારતને જાણો’ પ્રોગ્રામ

Monday 04th April 2016 10:40 EDT
 
 

લંડનઃ ભારતના વિદેશ મંત્રાલયના ઈન્ડિયન ઓવરસીઝ વિભાગ અને ફિક્કી(FICCI) દ્વારા ડાયસ્પોરા યુવાનો માટે ‘Know India Programme (KIP)’નું આયોજન કરાયું છે. સમકાલીન ભારત સાથે ગાઢ સંબંધો કેળવવા તેમજ તેમના અભિપ્રાયો, અપેક્ષાઓ અને અનુભવો જાણવાનો આ કાર્યક્રમ છે. ૧૮-૨૬ વયજૂથના ૩૦થી ૪૦ યુવાનો ત્રણ સપ્તાહના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં હાજરી આપશે, જેનો હેતુ ભારતીય સંસ્કૃતિ અને જીવનના વિવિધ પાસા તેમજ આર્થિક, ઔદ્યોગિક, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, કોમ્યુનિકેશન અને ઈન્ફર્મેશન ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં દેશે સાધેલી પ્રગતિ વિશે જાગૃતિ પ્રસરાવવાનો છે.

દરિયાપારના ભારતીય મૂળના યુવાનોને ભારતના સામાજિક-આર્થિક વિકાસનું દર્શન કરાવાશે. આ યુવાનોએ સામાન્ય રીતે અગાઉ ભારતની મુલાકાત લીધી હોતી નથી. ભારતીય હાઈ કમિશન આ યુવાનો પાસેથી અરજીઓ મેળવી તેમની લાયકાતની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરશે. દર વર્ષે એક કે રાજ્ય સરકારના સહકારથી આવા ૪-૫ કાર્યક્રમો યોજાય છે. મે ૨૦૧૬થી આગામી એક વર્ષમાં આવા ૧૮ કાર્યક્રમ યોજાશે, જેમાં મહારાષ્ટ્ર ભાગીદાર રાજ્ય છે. પસંદ કરાયેલા પાર્ટિસિપેન્ટ્સની પ્રોગ્રામના કાર્યકાળ દરમિયાન ભારતમાં સંપૂર્ણ મહેમાનગતિ કરવામાં આવશે તેમજ પ્રોગ્રામ પૂર્ણ કરનારા પાર્ટિસિપેન્ટ્સને એર ટિકિટના કુલ ખર્ચ (લોએસ્ટ ઈકોનોમી ઇક્સકર્શન ફેર)ના ૯૦ ટકા રિફન્ડ કરાશે.

આ પ્રોગ્રામ હેઠળ યુનિવર્સિટી-કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ, ઐતિહાસિક અને ઔદ્યોગિક સ્થળો, ગામોની મુલાકાત, યોગ-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી, વરિષ્ઠ ભારતીય રાજનેતાઓ સાથે મુલાકાત, ભારતના પસંદ કરાયેલા એક રાજ્યની ૧૦ દિવસની મુલાકાત તેમજ ભારતની રાજકીય સિસ્ટમ, અર્થતંત્ર, સમાજ અને વિવિધ ક્ષેત્રોમાં વિકાસ સંબંધે ક્લાસરૂમ પ્રેઝન્ટેશનનો સમાવેશ થાય છે.

પ્રોગ્રામના આરંભના મહિને ૧૮-૨૬ વયજૂથમાં આવતા સમગ્ર વિશ્વના ભારતીય મૂળના (PIO) યુવાનો (બીનનિવાસી ભારતીયો સિવાય) માટે આ પ્રોગ્રામ ખુલ્લો છે. અરજદારે અગાઉ વિદેશ મંત્રાલયના KIP અથવા ઈન્ટર્નશિપ પ્રોગ્રામ ફોર ડાયસ્પોરા યુથ અથવા સ્ટડી ઈન્ડિયા પ્રોગ્રામનો લાભ લીધો ન હોવો જોઈએ. ભારતની મુલાકાત લીધી ન હોય તેવા યુવાનોને પ્રાથમિકતા અપાશે. અરજદારે ઈંગ્લિશ બોલી શકતો હોવા સાથે માન્ય યુનિવર્સિટી/ઈન્સ્ટિટ્યુટમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ અથવા અભ્યાસ ચાલતો હોવો જોઈએ. એક દેશમાંથી મહત્તમ પાંચ ઉમેદવારને પસંદ કરી શકાશે.

અરજીપત્ર મેળવવા [email protected] નો સંપર્ક કરશો. અરજીપત્ર ભરીને લંડનમાં ભારતીય હાઈ કમિશનને મોકલી આપવાનું રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter